BREAKING NEWS

પાપ છાપરે ચડીને પોકાર્યું...પત્નીએ મુંબઈના પ્રેમી સાથે મળી ગળું દબાવી પતિને મારી નાખ્યો, હાર્ટ એટેકની સ્ટોરી ઘડતા પરિવારે દફનવિધિ કરી

  • November 24, 2025 09:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરામાં ગઈકાલે દફનવિધિ કર્યાના પાંચ દિવસ બાદ પોલીસે યુવકનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢયો હતો. આ ઘટનામાં તેની પત્નીએ જ તેની હત્યા કર્યાનું ખુલ્યું છે. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ થયો છે, પત્નીએ મુંબઈના પ્રેમી સાથે મળી પતિનું ગળું દબાવી હત્યા કરી છે અને મૃતકના ભાઈને ભાભી સામે શંકા જતા આક્ષેપ કર્યા હતા અને ઈર્શાદના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાયું હતું


પીએમ રિપોર્ટના આધારે હવે પોલીસ નોંધશે હત્યાનો ગુનો

મળતી માહિતી મુજબ, વડોદરાના તાંદલજામાં પત્નીએ મુંબઈના પ્રેમી સાથે મળીને પતિની કરેલી હત્યાની હકિકત પરથી ચાર દિવસ બાદ પડદો ઉચકાતા ખળભળાટ મચી ગયો હતો. પતિના મૃતદેહની દફનવિધિ બાદ પત્નીએ એટેકથી મોતની સ્ટોરી પર ઉપજાવી હતી. જોકે, પરિવારને દાળમાં કંઇક કાળુ લાગતા પત્નીની પૂછપરછ કરી જેમાં તે ભાંગી પડતા હત્યાનો ઘટસ્ફોટ થયો હતો. ગઈકાલે ચાર દિવસ બાદ કબ્રસ્તાનમાં દફન કરાયેલા મૃતદેહને પોલીસે બહાર કાઢી તપાસ શરૂ કરી હતી.


પરિવારે ઈર્શાદની દફનવિધી કરી

શહેરના તાંલદજામાં ચોતરાવાળા ફળીયામાં રહેતો ઈર્શાદ અબ્દુલકરીમ બંજારા (ઉં.વ.૩૨)ના નિકાહ આઠથી નવ વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશની ગુલબાનો સાથે થયા હતાં. ઈર્શાદ બે વર્ષની બાળકી સહિત ત્રણ સંતાનનો પિતા હતો. ગત તા.૧૯મીએ મોડીરાતે ઈર્શાદનું મોત થયું હતું. પત્નીએ મધરાતે સ્વજનોને બોલાવી ઈર્શાદના મોતનું કારણે હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું. જુવાનજોધ દીકરાના મોતના માઠા સમાચારથી પરિવારને આઘાત લાગ્યો હતો. ઈર્શાદની પત્ની ગુલબાનોએ જણાવેલી હકિકત એક તબક્કે સ્વિકારી પરિવારે ઈર્શાદની દફનવિધી કરી હતી.


પરિવાર ચોંકી ઉઠ્યો હતો

બીજી તરફ, પતિના મોત બાદ પત્નીની શંકાસ્પદ હરકતોએ પરિવારનું ધ્યાન ખેંચ્યું હતું. દરમિયાન મામી પર શંકા જતા ભાણીયા સાથે પરિવારના બીજા સભ્યોએ ફોનની તપાસ કરી હતી. જેમાં તોસીફઅલી (રહે.મુંબઈ)ના ઊપરાછાપરી કોલ હતા. જેથી ગુલબાનો પર શંકા વધુ પ્રબળ બનતા પરિવારે વિશ્વાસમાં લઈ તેની પૂછપરછ કરી હતી. જેમાં આખરે પત્ની ભાંગી પડી અને તા.૧૯મીની મોડીરાતે શું બન્યું? તેની સિલસિલાબદ્ધ વિગતો જણાવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.


મૃતદેહને બહાર કાઢી પીએમ કરવામાં આવ્યું

આ બનાવ અંગે પરિવારે ગઈકાલે તા. ૨૨મીએ જે.પી. રોડ પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી રવિવારે સવારે આખરી મંઝીલ કબ્રસ્તાનમાં દફન ઈર્શાદનો મૃતદેહ બહાર કઢાવ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડયો હતો. પ્રાથમિક કારણમાં ઈર્શાદને ગળે ટૂંપો દઈ હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application