BREAKING NEWS

જસદણના શિવરાજપુરમાં પિતા-પુત્ર અને બનેવીને વીજ કરંટ લાગ્યો, પુત્રનું મોત, પિતા-બનેવીને ઈજા, આસોદરિયા પરિવાર પર આભ ફાટ્યું

  • November 20, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના શિવરાજપુર ગામમાં આજે કરૂણાંતિકા સર્જાઈ હતી. વાડીએ કામ કરતા પિતા-પુત્ર અને બનેવીને વીજ કરંટ લાગતા હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં જુવાનજોધ પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતા અને બનેવીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવથી શિવરાજપુર ગામમાં ભારે અરેરાટી મચી ગઈ છે. પરિવાર પર આવેલા વજ્રઘાત સમાન આ ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ, શિવરાજપુર ગામના પટેલનગરમાં રહેતા ધીરૂભાઈ દેવજીભાઈ આસોદરિયા, તેમના જુવાનજોધ પુત્ર હિંમતભાઈ અને તેમના બનેવી જયસુખભાઈ વાડીએ ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે ત્રણેયને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. આથી ત્રણેય ખેતરમાં જ ફેંકાયને જમીન પર પડી ગયા હતા. જેમાં હિંમતભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે ધીરૂભાઈ અને જયસુખભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.


આ ઘટનાથી આજુબાજુના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને હિંમતભાઈ સીપીઆર આપ્યો હતો. પરંતુ બચી શક્યા નહોતા. 108ની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક દોડી આવી હતી. વીજ કરંટ લાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પિતા ધીરુભાઈ અને લીલાપુર ગામના રહેવાસી બનેવી જયસુખભાઈને તાત્કાલિક સારવાર માટે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે.


ખેતીકામ દરમિયાન શોર્ટ સર્કિટથી સર્જાયેલી આ કરુણ દુર્ઘટનામાં યુવકનું મોત થતાં અને પરિવારના બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થતાં શિવરાજપુર તેમજ લીલાપુર ગામમાં ઘેરો શોક છવાઈ ગયો છે. બનાવની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આ મામલે આગળની જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મૃતક હિંમતભાઈને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. માતા ચાલી ગયેલ હોવાથી બંને માસુમ બાળકો પર આભ ફાટી પડ્યું છે. હિંમતભાઈના માતા ઘરકામની સાથે ખેતીકામ પણ કરે છે. બે-બે માસુમ બાળકોની જવાબદારી હવે તેમના શિરે આવી પડી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application