જામનગર: જીજી હોસ્પિટલમાં ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવ્યુ
ગાયનેક વિભાગના સ્ટાફ દ્વારા જાણ કરાઇ : પોલીસ દ્વારા કેમેરા ચેક કરવા સહિતની તપાસ
જી.જી. હોસ્પીટલના ગાયનેક વિભાગની પાછળ ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવતા દોડધામ મચી હતી, સ્થળ પર પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને કેમેરા ચેક કરવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે. કયા સંજોગોમાં અને કેવી રીતે બનાવ બન્યો એ બાબતની સધન પુછતાછ કરવામાં આવી રહી છે. ત્યજી દેવાયેલ નવજાત શિશુ મૃત હાલતમાં હોવાનું બહાર આવ્યુ હતું આથી કબ્જો સંભાળીને જીણવટભરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાવના કારણે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
જામનગરની જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગના પીએન૩માં પીપીઇએન/એફબી બંધ સીડી નજીક કોઈ અજાણી વ્યકિત દ્વારા નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
ગાયનેક વિભાગના સ્ટાફને બાળક મળી આવતા તાત્કાલિક ૧૧૨માં જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
બાળકને કોણ અને કયા સંજોગોમાં ત્યજી ગયું તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે પણ તપાસ લંબાવવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગ નજીક નવજાત બાળક ત્યજી દેવાયાની ઘટના સામે આવી ચૂકી છે.
જયારે આજે નવજાત શીશુને કોઇએ ત્યજી દેતા મૃત્યુ નિપજયુ હતું, પોલીસ દ્વારા કબ્જો લઇ અને બનાવ સબંધે તપાસનો ધમધમાટ આદર્યો છે.