દેવભૂમિ દ્વારકા: પાંચ વર્ષ જૂના ગુનામાં ફરાર આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડતી દ્વારકા એલસીબી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસને હાથતાળી આપી ફરાર રહેલા આરોપીને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર રાજ્યમાંથી શોધી કાઢવામાં સફળતા મેળવી છે.
જિલ્લામાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને ગુજરાત બહાર નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના ભાગરૂપે તથા ખંભાળિયા પોલીસની ટીમ મહારાષ્ટ્ર રાજ્યમાં પહોંચી હતી. આ દરમિયાન મસરીભાઈ ભારવાડીયા અને હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પિંડારીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર ગામેથી આરોપી જયેશભાઈ ચંદ્રકાંતભાઈ દતાણી (ઉ.વ. ૪૭)ને ઝડપી લેવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી વિરુદ્ધ ભાણવડ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧માં એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર ૮૬૧/૨૦૨૧ હેઠળ આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ૩(૨)બી, ૭ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૨૮૫ અને ૧૧૪ મુજબ ગુનો નોંધાયેલો હતો. ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસ પકડથી દૂર રહેતો હતો. મહારાષ્ટ્રમાંથી તેને શોધી કાઢ્યા બાદ યુ.કે. જાદવે આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
આરોપી જયેશભાઈ ચંદ્રકાંતભાઈ દતાણી હાલ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર ગામે રહેતો હતો અને મૂળ પોરબંદરના છાંયા વિસ્તારના રોનક એપાર્ટમેન્ટ સામે આવેલા વ્રજ મકાનનો રહેવાસી છે. આ સફળ કામગીરીમાં એન.એચ. જોષી, બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, ખંભાળિયા પોલીસ સ્ટેશનના યુ.કે. જાદવ, મસરીભાઈ ભારવાડીયા, દિનેશભાઈ માડમ, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પિંડારીયા, મુકેશભાઈ કેશરીયા, વિશ્વદીપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચાવડા તથા ખંભાળિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જેઠાભાઈ પરમાર સહિતની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application