દિવાળીના પર્વે મુખવાસ બજારમાં તેજી: ડ્રાયફ્રુટના ભાવમાં ઉછાળો
જામનગરની આગવી ઓળખ સમાન જામનગરી મુખવાસ માત્ર ગુજરાત કે દેશ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ દેશ-વિદેશમાં પણ તેની વિશેષ માંગ અને લોકપ્રિયતા જોવા મળે છે. ખાસ કરીને જામનગરના સ્વાદિષ્ટ મુખવાસની વિવિધ વેરાયટીઓ દિવાળીના તહેવાર દરમિયાન લોકોની પસંદગી બની રહે છે. ત્યારે દિવાળીના પર્વને અનુલક્ષીને જામનગરની મુખવાસ બજારમાં પણ રોનક અને ધમધમાટ જોવા મળી રહ્યો છે.
જામનગર શહેરના ચાંદી બજાર, હવાઈ ચોક, ડી.કે.વી. સર્કલ સહિતના મુખ્ય બજાર વિસ્તારોમાં જામનગરી મુખવાસના આકર્ષક સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં વિવિધ પ્રકારના મુખવાસની અનેક વેરાયટીઓ ગ્રાહકોને આકર્ષી રહી છે. સાદા મુખવાસથી લઈને મીઠા, મસાલેદાર અને સુગંધિત મુખવાસની વિવિધ જાતોનું વેચાણ થઈ રહ્યું છે. દિવાળીના તહેવારમાં મહેમાનોના સ્વાગતથી લઈને ભેટસોગાદ અને ઘરવપરાશ માટે પણ મુખવાસની ખરીદી થતી હોવાથી બજારમાં ખાસ માહોલ જામ્યો છે.
મુખવાસની સાથે સાથે ડ્રાયફ્રૂટ્સના સ્ટોલ્સ અને દુકાનોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. જોકે, હાલ ખાડી વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય આયાત અને પરિવહન ખર્ચમાં વધારો થવાની અસર ડ્રાયફ્રૂટ્સના બજાર પર જોવા મળી રહી છે. ખાસ કરીને પિસ્તા, બદામ, કાજુ સહિતનાં આયાતી ડ્રાયફ્રૂટ્સના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવતાં તેની ખરીદી અને માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
દિવાળીના પર્વે જામનગરની પરંપરાગત મુખવાસ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે, જ્યારે બીજી તરફ વધતા ભાવને કારણે ડ્રાયફ્રૂટ્સના વેપારને અસર પહોંચી રહી છે.