રાજકોટ મહાનગરપાલિકામાં ધનતેરસના દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવાની વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહેશે. આવતીકાલે તા.૬ નવેમ્બરે સવારે ૧૧:૩૦ કલાકે ચેરમેન પરેશ પીપળિયાના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં શહેરના વિકાસને વેગ આપતી વિવિધ ૪૪ દરખાસ્તો નિર્ણયાર્થે રજૂ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકામાં દર વર્ષે ધનતેરસના શુભ દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવાની પરંપરા ચાલી આવી છે. આ પરંપરાને યથાવત્ રાખીને આ વર્ષે પણ ધનતેરસના દિવસે જ બેઠક બોલાવવામાં આવી છે. તહેવારોની ઉજવણી વચ્ચે પણ શહેરના વિકાસકામોને પ્રાધાન્ય આપવાના અભિગમ સાથે સ્ટેન્ડિંગ કમિટી કરોડો રૂપિયાના વિકાસકામો અંગે નિર્ણય લેશે.
આવતીકાલની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓના કામો, સ્ટ્રીટલાઇટ, ગાર્ડન, સફાઈ, પાણી પુરવઠો, આરોગ્ય અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને રસ્તાઓના રિસર્ફેસિંગ, નવા વિકાસકામો અને સફાઈ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવતી દરખાસ્તો મહત્વપૂર્ણ બની રહેશે.
આ ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓના તબીબી ખર્ચની સહાય સંબંધિત સંખ્યાબંધ દરખાસ્તો પણ રજૂ કરવામાં આવશે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાગરિક સુવિધાઓ વધારવાના કામો માટેના કોન્ટ્રાક્ટ અને ખર્ચની મંજૂરી અંગે પણ ચર્ચા થશે.
ધનતેરસના શુભ મુહૂર્તે મળનારી આ બેઠકમાં ચેરમેન પરેશ પીપળીયા અને કમિટીના સભ્યો શહેરના વિકાસકામોને કેટલી ઝડપથી લીલીઝંડી આપે છે તેના પર સૌની નજર રહેશે. ખાસ કરીને કરોડોના ખર્ચની વિવિધ દરખાસ્તો પર લેવાતા નિર્ણયો આગામી દિવસોમાં રાજકોટના વિકાસની ગતિ નક્કી કરશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકામાં વજુભાઈ વાળા અને વિજયભાઈ રૂપાણીનાં શાસનકાળ વખતથી ધનતેરસે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજવાની પરંપરા ચાલી રહી છે, જે વર્તમાન શાસકોએ પણ આગળ ધપાવી છે.