રાજકોટ મહાનગરપાલિકાએ દિવાળીના પર્વે રાજકીય સૌહાર્દ અને સર્વસમાવેશકતાની નવી પરંપરાનો પ્રારંભ કર્યો છે. મનપા દ્વારા તૈયાર કરાયેલા દિવાળી શુભેચ્છા કાર્ડમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના તમામ ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરોને સ્થાન આપવામાં આવ્યું છે. મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની પહેલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજકોટ મહાનગરપાલિકાના દિવાળી શુભેચ્છા કાર્ડના પ્રથમ પાને મેયર ડૉ. નેહલભાઈ શુક્લ સહિત પાંચેય પદાધિકારીઓનાં નામ દર્શાવવામાં આવ્યાં છે. જ્યારે કાર્ડના પાછળના પાને શહેરના તમામ ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરોનાં નામ વોર્ડવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. ખાસ કરીને શાસક પક્ષ ભાજપની સાથે કોંગ્રેસના કોર્પોરેટરોને પણ સમાન સ્થાન આપીને રાજકીય સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો છે.
સામાન્ય રીતે રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલતો હોય છે, પરંતુ દિવાળીના શુભ પ્રસંગે મહાનગરપાલિકાએ પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરવાની નવી પહેલ કરી છે. રાજકીય મતભેદો પોતાની જગ્યાએ, પરંતુ શહેરના વિકાસ અને પ્રજાના પ્રતિનિધિત્વના સન્માનમાં કોઈ ભેદભાવ નહીં તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્ડ થકી આપવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની આ પહેલ રાજકીય દૃષ્ટિએ પણ નોંધપાત્ર બની છે. દિવાળી કાર્ડમાં માત્ર શાસક પક્ષના પદાધિકારીઓ કે કોર્પોરેટરોને જ પ્રાધાન્ય આપવાને બદલે વિપક્ષના સભ્યોને પણ સ્થાન આપીને લોકશાહી ભાવનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.