હરીપર મેવાસામાં દરોડામાં દૂધમાંથી પાઉડર, ફોરેન ફેટ અને વનસ્પતિ મળી આવી
૧૨ છાત્રાલયો-હોસ્ટેલના રસોડાની તપાસના અંતે સાતને નોટિસ ફટકારવામાં આવી
કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં પોલીસે દરોડો પાડી નકલી દૂધનું કૌંભાડ પકડી પાડયું હતું. ત્યારબાદ ફુડ વિભાગે ગામમાંથી ૬ દૂધના નમૂના લેતા તમામ ફેઇલ થયા હતાં. દૂધમાંથી પાઉડર, ફોરેન ફેટ અને વનસ્પતિ મળી આવી હતી. ૧૨ છાત્રાલય અને હોસ્ટેલના રસોડાની તપાસના અંતે સાતને નોટીસ ફટકારવામાં આવી છે.
જામનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી તથા કમિશ્નર ઓફ ફૂડ સેફ્ટીના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ દ્વારા રાજકોટ રેન્જની ટીમ સાથે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામમાંથી અલગ-અલગ ૬ લોકો પાસેથી શંકાસ્પદ દૂધના ૬ નમૂનાઓ લેવામાં આવ્યા હતાં. આ ે તમામ નમૂનાઓમાં લેબોરેટરી તપાસ દરમિયાન દૂધના પાવડર તથા ફોરેન ફેટ અને વનસ્પતિની હાજરી મળી આવતા તમામ નમૂનાઓને લેબોરેટરી દ્વારા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે. જેના અનુસંધાને ૬ લોકો સામે એફ.એસ.એસ.એ. ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તદઉપરાંત ફૂડ વિભાગ દ્વારા વિવિધ છાત્રાલયોની રસોડાઓની તપાસ કરવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૧૨ છાત્રાલયોની તપાસ કરી કાયદા મુજબની જરૂરી સુધારા સ્થળ પર કરાવવા ઉપરાંત કાયદા મુજબના લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવા સાતને નોટિસ આપવામાં આવી છે. આ તપાસ આવનારા સમયમાં પણ ચાલુ રહેવાની હોય કોઈપણ છાત્રાલય, કેન્ટીન કે પી.જી.ના રસોડાઓ ચલાવતા હોય તેઓએ કાયદા મુજબનું લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવી કાયદા મુજબની સ્વચ્છતા ફરજિયાત જાળવવાની રહેશે. જેથી આવા તમામ વેપારીઓને સત્વરે લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવી કાયદા મુજબની સ્વચ્છતા જાળવી ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરવા ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર અધિકારીએ જણાવ્યું છે.