અભદ્ર વર્તન અને ઉતાવળિયા ડિમોલિશન મામલે જામનગર કલેક્ટરને આહીર સમાજનું આવેદનપત્ર
સમગ્ર ઘટનાની વહીવટી તપાસ તથા વયોવૃદ્ધ દંપતિને ન્યાય આપવા ઉગ્ર રજુઆત: ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
શહેરના લાલપુર રોડ પર સાધના કોલોની નજીક આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી મકાન ડિમોલિશનની કામગીરી વિવાદોમાં સપડાઈ છે. આ મામલે શ્રી આહીર સમાજ - જામનગરના પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર પાઠવીને સમગ્ર ઘટનાની વહીવટી તપાસ કરાવવા અને વયોવૃદ્ધ દંપતીને ન્યાય આપવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, જડેશ્વર પાર્ક વિસ્તારમાં છેલ્લા ૪૦ વર્ષના લાંબા સમયગાળાથી શાંતિપૂર્વક વસવાટ કરતા વયોવૃદ્ધ દંપતી નંદુબેન અને નારણભાઈ બેરાના મકાન પર મહાનગરપાલિકા દ્વારા અચાનક ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન માનવીય સહજ વૃત્તિ મુજબ પોતાના આશ્રયને બચાવવાનો પ્રયાસ કરી રહેલા ૮૦ વર્ષના અસહાય માજી નંદુબા સાથે સુરક્ષાકર્મીઓ દ્વારા અત્યંત અયોગ્ય અને અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. વૃદ્ધાને ટીંગાટોળી કરી, બળપ્રયોગ પૂર્વક પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે, જે ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નાગરિકોમાં વ્યાપક ચિંતા અને આક્રોશ વ્યાપી ગયો છે. આ પ્રકારનું વર્તન લોકતાંત્રિક મૂલ્યો અને વરિષ્ઠ નાગરિકોના મૂળભૂત અધિકારોની દૃષ્ટિએ અત્યંત ખેદજનક અને અસ્વીકાર્ય હોવાનું સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે.
આવેદનપત્રમાં વધુમાં એક ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે જામનગરના એક બિલ્ડરના વ્યાપારી હિતો આ જડેશ્વર પાર્ક વિસ્તારની આસપાસ સંકળાયેલા હોવાની સ્થાનિક સ્તરે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. શહેરમાં અન્ય અનેક સ્થળોએ લાંબા સમયથી બિનઅધિકૃત બાંધકામો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા ત્યાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જ્યારે આ ચોક્કસ કિસ્સામાં જ ખૂબ જ ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે, જે તંત્રની સમાનતાના સિદ્ધાંત પર પ્રશ્નાર્થો ઊભા કરે છે. આ ઉપરાંત, વહીવટી પારદર્શિતા સામે સવાલ ઉઠાવતા અગ્રણીઓએ નોંધ્યું છે કે, આ ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની સત્તાવાર બદલી (ટ્રાન્સફર)ના માત્ર બે દિવસ પૂર્વે જ અત્યંત ઉતાવળપૂર્વક હાથ ધરવામાં આવી હતી. વહીવટી વડાની બદલીના અંતિમ દિવસોમાં પૂર્વ તૈયારી વિના આ પ્રકારે કયા વાસ્તવિક કારણો અને ઉદ્દેશોથી કામગીરી કરવામાં આવી, તેની તપાસ થવી જનહિતમાં અત્યંત આવશ્યક છે.
આહીર સમાજના અગ્રણીઓ અને જવાબદાર નાગરિકોએ કલેક્ટર સમક્ષ અનુરોધ કરાયો છે કે આ વિષયની સંવેદનશીલતાને ધ્યાને લઈ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવે, પ્રક્રિયામાં સંકળાયેલા જવાબદાર કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ કરી ભવિષ્યમાં આવા ગંભીર કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી કાનૂની દિશાનિર્દેશો જારી કરવામાં આવે તેમજ વયોવૃદ્ધ દંપતી નંદુમા અને નારણબાપાના પુન:વસન માટે યોગ્ય વહીવટી સહયોગ પૂરો પાડી પીડિતોને યોગ્ય ન્યાય આપવામાં આવે. આ આવેદનપત્રમાં સમાજના અનેક અગ્રણીઓએ સહીઓ કરીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આવેદન આપતી વેળાએ આહિર સમાજના પ્રમુખ રણમલભાઇ કાંબરીયા, અગ્રણી પ્રવિણભાઇ માડમ, કરસનભાઇ કરમુર, કિશનભાઇ માડમ, સંજયભાઇ કાંબડીયા, મહિલા અગ્રણી લીરીબેન માડમ, પ્રભાબેન ગોરેચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.