BREAKING NEWS

ઉપલેટામાં પરિણીતાને આર્મીમેન પતિએ ઢીકાપાટુનો માર માર્યો: ફરિયાદ નોંધાઇ

  • October 12, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાના પોરબંદર રોડ પર રહેતી પરિણીતાને આર્મીમેન પતિએ તું જોઇતી નથી, તું અહીંથી જતી રહે કહી ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેમાં પરિણીતાને ઇજા પહોંચી હતી. બાદમાં પરિણીતાએ પતિ વિરૂધ્ધ ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઉપલેટાના પોરબંદર રોડ પર ઓશો આશ્રમ પાછળ ગજાનંદ પાર્કમાં રહેતી ચાંદનીબેન(ઉ.વ.૩૩) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ સંજય ભગવાનજીભાઈ પરમારનું નામ આપ્યું છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં એક દીકરી ધનુશ્રી (ઉ.વ. ૯) છે. પતિ સંજય આર્મીમાં નોકરી કરે છે. જે મૂળ વંથલી તાલુકાના ડુંગળી ગામના વતની છે જેની સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ વર્ષ ૨૦૧૭ માં લગ્ન થયા છે. લગ્ન બાદ પાંચ વર્ષ પતિએ સારી રીતે રાખ્યા બાદ પતિ સંજય આર્મીમાં નોકરી કરતા હોય જેથી તે નોકરીમાં બહારનાં રાજ્યમાં જતા હતા. પરિણીતા એકલી ઘરે દીકરી સાથે રહેતી હતી. વર્ષમાં પતિ ત્રણેક વખત મહિનો દોઢ મહિનો રજા પર આવતા હતા. છેલ્લા સાડા ચાર વર્ષથી પરિણીતા ઉપલેટા મુકામે રહેતા હોય ત્યારથી પતિ તને મારે ઘરમાં રાખવી નથી, તું અહીંથી જતી રહે તેમ કહી અવાર-નવાર માનસિક ત્રાસ આપતો હતો. પરિણીતા બે વખત માવતરે ભીમોરા ગામે રિસામણે જતી રહી હતી. જો કે, પતિ સમાધાન કરી પાછો તેડી જતો હતો.


પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સવા નવ વાગ્યે હું તથા મારી નાની દીકરી ધનુશ્રી અને પતિ સંજય ઘરે હાજર હતા. ત્યારે મારા પતિએ મને ગાળો આપી કહ્યું હતું કે, મારે તું જોઈતી નથી. તું અહીંથી જતી રહે તેમ કહી મને ઢીકા પાટુનો મારમાર્યો હતો. પતિએ ધકો મારતા હું પડી જતા મને જમણા ગાલે તથા ડાબા હાથે મુંઢ ઈજા પહોંચી હતી. જે બાદ પરિણીતાએ સમગ્ર મામલે પિયરમાં જાણ કરતા તેણીના ભાઈ, પિતા સહીતે સારવાર અર્થે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. બનાવ અંગે ઉપલેટા પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી આર્મીમેન પતિ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application