↵રાજસ્થાનથી ૭૦૦ કીમીની દંડવત યાત્રા કરી ૭૬ વર્ષીય વૃઘ્ધ પહોંચ્યા દ્વારકા
બાડમેર જિલ્લાના અસાડા ગામના સખારામ રાજપૂતે અનોખી ભક્તિનું ઉદાહરણ દર્શાવ્યું
દેવભૂમિ દ્વારકાના પવિત્ર જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દરરોજ દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે. ભક્તોમાં કેટલાક એવા પણ હોય છે, જેઓ કઠિન સંકલ્પો સાથે પોતાની આસ્થા વ્યક્ત કરે છે. રાજસ્થાનના ૭૬ વર્ષીય સખારામ રાજપુતે પણ અનોખી ભક્તિનું ઉદાહરણ પુરૂ પાડતાં આશરે ૭૦૦ કિલોમીટરની દંડવત યાત્રા પૂર્ણ કરીને બુધવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પોતાની યાત્રા અર્પણ કરી હતી.
રાજસ્થાનના બાડમેર જિલ્લાના પૌશાલનગર અસાડા ગામના રહેવાસી સખારામ રાજપુતે જાન્યુઆરી મહિનામાં પોતાના વતનથી દંડવત યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સતત અનેક મહિનાની કઠિન સાધના અને સંકલ્પ બાદ તેઓ તા. ૨૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ દ્વારકા પહોંચ્યા હતા. દ્વારકામાં તેમના આગમન સમયે સ્થાનિક ભક્તો અને સેવાભાવીઓએ પુષ્પહાર પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ૭૦૦ કિલોમીટરની દંડવત યાત્રા ભગવાનને સમર્પિત કરી હતી.
સખારામ રાજપુતે જણાવ્યું કે દ્વારકાની આ તેમની ત્રીજી દંડવત યાત્રા છે. હવે તેઓ અહીંથી ચોથી યાત્રાનો પ્રારંભ કરશે, જે રાજસ્થાનના પ્રસિદ્ધ રણુજા તીર્થ સુધી પૂર્ણ કરવાની તેમની ભાવના છે. તેમણે જણાવ્યું કે સમગ્ર યાત્રા દરમિયાન અનેક સ્થળોએ લોકોનો સહયોગ અને સ્નેહ મળ્યો, જેના કારણે આ લાંબી યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી.
યાત્રા દરમિયાન બનેલી એક દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ કરતાં સખારામ રાજપુતે જણાવ્યું હતું કે જામનગર નજીક કેટલાક શખ્સોએ તેમની પાસેથી આશરે ત્રણ લાખ રૂપિયાની રકમ લૂંટી લીધી હતી. આ કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હોવા છતાં તેમની લૂંટાયેલી રકમ હજુ સુધી પરત મળી નથી, જે બાબતનો તેમને ખેદ છે. વૃદ્ધાવસ્થામાં પણ અડગ શ્રદ્ધા, ધૈર્ય અને સંકલ્પ સાથે પૂર્ણ કરાયેલી સખારામ રાજપુતની દંડવત યાત્રા દ્વારકામાં ઉપસ્થિત ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમની આ અનોખી ભક્તિ અનેક લોકો માટે પ્રેરણાદાયી બની રહી છે.