જામનગરમાં વધુ એક ચિકન શોપ સીલ, બે પેઢી બંધ કરાવાઇ
જન આરોગ્ય સાથે ચેડા યથાવત, લાયસન્સ વગર ગંદકી વચ્ચે ખાઘપદાર્થોના વેંચાણ સબબ મનપાની ફુડ શાખાની કાર્યવાહી
બેડેશ્વરમાં અસ્વચ્છ હાલતમાં રાખેલા પાંચ કીલો ચોખાનોે નાશ, રેસ્ટોરન્ટોમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલાયા
જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન લાયસન્સના અભાવ અને અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્યપદાર્થોનું વેચાણ થતું હોવાનું જણાતાં એક ચિકન શોપને સીલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય બે પેઢીઓ બંધ કરાવવામાં આવી હતી. તદઉપરાંત વિવિધ રેસ્ટોરન્ટમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લઈ પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને અસ્વચ્છ હાલતમાં રાખેલા પાંચ કિલો ચોખાનો નાશ કરવામાં આવ્યો હતો.
જામનગરમાં રેસ્ટોરન્ટમાં ભોજન આરોગ્ય બાદ ફુડ પોઇઝનીંગની ઘટના બાદ સફાળી જાગેલી મહાનગરપાલિકાની ફુડ શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ યથાવત રાખી છે. બેડેશ્વર વિસ્તારમાં આવેલી સ્ટાર ચીકન શોપ ખાતે એફએસએસએઆઈના નિયમોનો ભંગ અને માન્ય લાયસન્સનો અભાવ જણાતાં પેઢીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
રણજીતસાગર રોડ પર હર્ષદ મિલ ચાલી વિસ્તારમાં આવેલી ફેમશ ગાઝી ચાઇનીઝ ચીકન અને નશીબ ફીશ નામની પેઢીઓમાં અસ્વચ્છ પરિસ્થિતિ જણાતાં જરૂરી સુધારણા કરવામાં ન આવે અને આગળનો હુકમ ન થાય ત્યાં સુધી બંને પેઢીઓ બંધ કરાવવામાં આવી હતી. આ જ વિસ્તારમાં આવેલી હુશેની ચીકન પેઢીને પણ સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો કરવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન બેડેશ્વર વિસ્તારમાં આવેલી હાજીપીર રેસ્ટોરન્ટમાંથી તૈયાર ચીકન બિરયાની, તૈયાર મટન અને તૈયાર ચીકનના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બોમ્બે એ-વન બિરયાની માંથી ચીકન દમ બિરયાનીનો નમૂનો લઈને વધુ પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો હતો.
બીજી તરફ, બેડેશ્વરમાં આવેલી ન્યુ બોમ્બે બિરયાની ખાતે ખુલ્લા અને અસ્વચ્છ સ્થિતિમાં રાખવામાં આવેલા આશરે પાંચ કિલો રાઈસ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.ફૂડ વિભાગની ટીમ દ્વારા રણજીતસાગર રોડ પર આવેલી નાગોરી ચીકન ઉપરાંત મીરા રેસ્ટોરન્ટ, રજવાડી રાઈસ બિરયાની, ધોરાજીના ચીકન રોલ, ન્યુ ફેમશ બોમ્બે બિરયાની અને કે.એમ.સી. ચીકન શોપ સહિતની પેઢીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી.નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવાના હેતુથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવી તપાસ અને નિયમોનો ભંગ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application