જામનગરમાં નવરાત્રીના સંચાલક સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
ઇવેન્ટ મેનેજમેન્ટ અને જમણવારના ૮.૬૮ લાખ ચૂકવ્યા નહીં : ધમકી આપી : ચોથી પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર
જામનગરના નવરાત્રી સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરીયા સામે છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત સહિતના આક્ષેપો સાથે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટુંકાગાળામાં આરોપી સામે નોંધાયેલી આ ચોથી પોલીસ ફરિયાદ હોવાનું સામે આવતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
રાજકોટના નવા રીંગ રોડ, મુંજકાા ગામ ખાતે હાલ નિવાસી અને મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુધીયા ગામના વતની ઇવેન્ટ મેનેજમેન્ટના ધંધાર્થી હિતેશભાઈ વેજાણંદભાઈ કંડોરીયાએ ફરીયાદમાં જણાવ્યું છે કે જુલાઈ-૨૦૨૩થી જૂન-૨૦૨૬ દરમિયાન જામનગરમાં યોજાતા આધ્યાશક્તિ નવરાત્રીના ઇવેન્ટ મેનેજમેન્ટ તેમજ જમણવારની વ્યવસ્થા માટે કરાયેલા કામ પેટે ચૂકવવાના ૮,૬૮,૦૦૦ આરોપીએ ચૂકવ્યા નહોતા.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે નાણાંની માંગણી કરતાં સંજય ચેતરીયાએ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો તેમજ ગેરશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે પંચ ’બી’ ડિવિઝન પોલીસે સંજય ચેતરીયા (રહે. મુળ લાંબા ગામ, તા. કલ્યાણપુર) સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૫૧(૩) અને ૩૫૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી સંજય ચેતરીયા સામે ટુંકાગાળામાં જ જામનગરમાં આ ચોથી ફરીયાદ નોંધાઇ છે એક ફરીયાદ સીટી-બીમાં, બીજી સીટી-એમાં અને પંચકોશીમાં બે ફરીયાદનો સમાવેશ થાય છે. ફરીયાદ અનુસંધાને પીએસઆઇ જાડેજા તપાસ ચલાવી રહયા છે.