જામનગરમાં હાલારી વિશા ઓશવાળ જૈન બોર્ડીંગના ચકચારી પ્રકરણમાં વિવાદીને લપડાક, અપીલ અરજી નામંજૂર
૪૪ વર્ષના વિલંબ બાદ એકાએક કરેલી અરજી રદના નાયબ કલેકટરના હુકમને કલેકટરે યથાવત રાખ્યો
શ્રી વિશા ઓશવાળ એજ્યુકેશન એન્ડ રીલીફ કમીટી જામનગરના કોણ ટ્રસ્ટી છે? તે આધારો, હકીકતો રજૂ ન કરતા ચકચાર
જામનગરમાં હાલારી વિશા ઓશવાળ જૈન બોર્ડીંગના ચકચારી પ્રકરણમાં જિલ્લા કલેકટરે વિવાદીની અપીલ અરજી નામંજૂર કરી લપડાક સમાન ચૂકાદો આપતા મહાજન સમાજમાં ચકચાર જાગી છે. ૪૪ વર્ષના વિલંબ બાદ એકાએક કરેલી અરજી રદના નાયબ કલેકટરના હુકમને કલેકટરે યથાવત રાખ્યો છે. નવાઇની વાત તો એ છે કે, વિવાદી શ્રી વિશા ઓશવાળ એજ્યુકેશન એન્ડ રીલીફ કમીટી જામનગમાં કોણ ટ્રસ્ટી છે તેના આધારો અને હકીકતો રજૂ કરી ન હતી.
જામનગરમાં હાલારી વિશા ઓશવાળ સમાજમાં ચકચાર જગાવનાર પ્રકરણની વિગત અનુસાર શ્રી વિશા ઓશવાળ એજયુકેશન એન્ડ રીલીફ કમીટી જામનગર વતી ટ્રસ્ટી મનીષ રમેશભાઇ શાહે શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં હાલારી વિશા ઓશવાળ જૈન બોર્ડીંગના નામે આવેલી કીંમતી જગ્યા કે જે સીટી સર્વેના હકકચોકસી અધિકારીએ હાલારી વિશા ઓશવાળ બોર્ડીંગને ઠરાવી હતી તેની સામે જામનગર નાયબ કલેકટર સમક્ષ અપીલ કરી હતી. જે ચાલી જતાં નાયબ કલેકટરે લગભગ ૪૪ વર્ષના વિલંબથી વિવાદ અરજી રજૂ થઇ હોય હાલના વિવાદી ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે કયારે નિયુકત થયા હોય તેની વિગત દર્શાવી ન હતી. આટલું જ નહીં અગાઉના વહીવટીકર્તા પૈકીના કોઇ વહીવટીકર્તાનું હુકમની જાણ નહીં હોવા બાબતું સોંગદનામું પણ રજૂ કર્યું નથી. આટલું જ નહીં હકકચોકસી અધિકારીના હુકમની જાણ વિવાદીને કેવી રીતે કયારે અને કોના મારફત થઇ તેની કોઇ જ વિગત વિલંબ માફ કે વિવાદ અરજીમાં કરી નથી. સળંગ ચાર દાયકા સુધી વિવાદી નિંદ્રામાં હતા તેની બીલકુલ શુઘ્ધબુઘ્ધિ નથી મિલકત કાર્ડ જોવાનું કારણ ઉભું થયું ન હોય એ માની શકાય નહીં એવી હકીકત છે. આ તમામ ગંભીર મુદા ઘ્યાને લઇ નાયબ કલેકટરે વિવાદી મનીષ શાહની અપીલ અરજી નામંજૂર કરી હતી.
આથી તેમણે જિલ્લા કલેકટરની કોર્ટમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ અપીલ કરી હતી. જેમાં પ્રતિવાદી તરીકે નાયબ કલેકટર, સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ, પંકજ કાંતિલાલ માલદે, ગીરીશ સોમચંદ દોઢીયા, ભરત હંસરાજ દોઢીયા, સુભાષ કેશવજી શાહ, શીરીષ નેમચંદ સાવલા, ભાવેશ અમૃતલાલ હરીયા, વિજય જેઠાલાલ ગડા, ધીરજ દેપાર હરીયા, ઓતમચંદ રાયશી હરણીયા(શાહ), કાન્તીલાલ ઝવેરચંદ શાહ હતાં. આ અપીલ જિલ્લા કલેકટરની કોર્ટમાં ચાલી હતી. જેમાં પ્રતિવાદીઓની ૪૪ વર્ષના વિલંબ બાદ એકાએક અરજી શું કામ, હાલમાં શ્રી વિશા ઓશવાળ એજયુકેશન એન્ડ રીલીફ કમીટી જામનગરમાં પીટીઆર ઉપર નોંધાયેલા ટ્રસ્ટી કોણ કોણ છે?, તેઓના નામ, સરનામા, પીટીઆરની તાજેતરની ખરી નકલ સહીતના કોઇ જ આધાર વિવાદીએ રજૂ કર્યા નથી. વળી, હાલારી વિશા ઓશવાળ જૈન બોર્ડીંગવાળી મિલકત રાજાશાહી વખતની સનદ મુજબ ઓશવાળ એજયુકેશન એન્ડ રીલીફ બોર્ડ બ્રીટીશ આફ્રીકા જોગની હોય એટલે કે તેના માલીક ટ્રસ્ટ ઓશવાળ એજયુકેશન એન્ડ રીલીફ બોર્ડ કે જે કેન્યામાં કાર્યરત સંસ્થા હોય તે માનવાલાયક અને પુરાવા આધારીત હકીકત છે. તદઉપરાંત આ મિલકતોનો વર્ષોથી ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ(ટ્રસ્ટ નં.ઇ-૨૧૯-જામનગર) વાળું ટ્રસ્ટ કબ્જો ભોગવટો કરે છે અને તે જગ્યામાં વર્ષોથી ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલીત વિશા ઓશવાળ ક્ધયા છાત્રાલય અને વિશા ઓશવાળ બોર્ડીંગ ચાલે છે. ત્યારે આ મિલકતના માલીક ટ્રસ્ટને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યું નથી.
આટલું જ નહીં અરજીમાં ૪૩ વર્ષનો અસમાન્ય વિલંબ થવા પાછળનું નકકર અને સંતોષકારક કારણો રજૂ થયા નથી. વળી કલેકટરની કોર્ટ સમક્ષ અપીલ કરવામાં થયેલા વિલંબના કોઇ કારણો રજૂ કરવામાં આવ્યા નથી. જામનગર નાયબ કલેકટર સમક્ષના કેસમાં ટ્રસ્ટી જીનેશ ફુલચંદ શાહે અરજી કરી હતી. હાલ ટ્રસ્ટ વતી મનીષ રમેશભાઇ શાહે સહી કરી હોય ખુલાસો રજૂ કર્યો નથી. તદઉપરાંત શ્રી વિશા ઓશવાળ એજયુકેશન એન્ડ રીલીફ કમીટી કે જામનગરમાં નોંધાયેલ ટ્રસ્ટ હોય પીટીઆર ઉપર તેના નોંધાયેલા ટ્રસ્ટીઓ કોણ કોણ છે, તેઓના નામ સરનામા રજૂ થયા નથી.પ્રતિવાદીઓની તમામ રજૂઆતો તથા તારણો, રેકર્ડ પરની હકીકતો ઘ્યાને લઇ જિલ્લા કલેકટર પરીમલ પંડયાએ હાલારી વિશા ઓશવાળ જૈન બોર્ડીંગ કે જેની જમીન ૧૧૨૫૪૪ ચોરસ ફુટ છે તેના પ્રત્યક્ષ કબ્જા મુજબ હાલારી વિશા ઓશવાળ બોર્ડીંગને ધારણકર્તા ઠરાવી હતી. આટલું જ નહીં વિવાદી દ્વારા અપીલ અરજીમાં ૪૪ વર્ષના વિલંબ બાબતે કોઇ કારણો રજૂ કરવામાં આવ્યા નથી. આ તમામ રજૂઆતો અને વાંધાઓ ઘ્યાને લઇ વિવાદી મનીષ રમેશભાઇ શાહની અપીલ અરજી નામંજૂર કરી નાયબ કલેકટરનો હુકમ યથાવત રાખ્યો છે. જિલ્લા કલેકટરના આ હુકમથી સમસ્ય હાલારી વિશા ઓશાવાળ સમાજમાં ચકચારની સાથે આ પ્રકરણ ભારે ચર્ચાનો વિષય બન્યું છે.