BREAKING NEWS

ભાજપ પર જામનગરમાં અમિત ચાવડાના પ્રહાર: ખેડૂતો પાયમાલ

  • July 09, 2026 02:21 PM 

ભાજપ પર જામનગરમાં અમિત ચાવડાના પ્રહાર: ખેડૂતો પાયમાલ

સમીક્ષા બેઠક: ભાજપની તાનાશાહીથી રાજયભરમાં તમામ વર્ગના લોકો હેરાન, ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રાહીમામ 

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કયાં ચૂક થઇ છે તે અંગે ચર્ચા કરી મીશન-૨૦૨૭ની તૈયારી: લોકોના પ્રશ્ર્નો અને સમસ્યા ઉઠાવાશે

જામનગરમાં આજે યોજાયેલી કોંગ્રેસ સંગઠનની સમીક્ષા બેઠક પૂર્વે પ્રદેશ કોંગી પ્રમુખે ભાજપ પર આકરા પ્રહારો કરી ભાજપના શાસનમાં ખેડૂતો પાયમાલ થયાનું જણાવ્યું હતું. ભાજપની તાનાશાહી અને જોહુકમીથી રાજયભરમાં તમામ વર્ગના લોકો હેરાન છે અને ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રાહીમામ હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં કયાં ચૂક થઇ છે તે અંગે બેઠકમાં ચર્ચા કરી મીશન-૨૦૨૭ની તૈયારી કરવામાં આવશે. જે અંતર્ગત લોકોના પ્રશ્રો અને સમસ્યા ઉઠાવામાં આવશે. 

રાજયના તમામ જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા એઆઇસીસીના આગેવાનોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનો દૌર શરૂ કરાયો છે. જે અંતર્ગત ગુરૂવારના જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ ભવનમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં જામનગર શહેર-જિલ્લા, પોરબંદર શહેર-જિલ્લા અને દ્વારકા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો સાથે વિવિધ મુદાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં શહેર-જિલ્લાના કોંગ્રેસના આગેવાનોને સાંભળવામાં આવ્યા હતાં. જામનગરમાં સમીક્ષા બેઠક પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજયભરમાં ભાજપની તાનાશાહી અને જોહુકમીથી તમામ વર્ગોના લોકો પરેશાન છે. 

ખાસ કરીને કંપનીઓની જીહજુરી કરી ખેડૂતોની જમીનોમાં ગેરકાયદે વીજપોલ નાંખવામાં આવી રહ્યા છે. ખેડૂતોને ખેતપેદાશોના પૂરતા ભાવ મળતા નથી. આથી ખેડૂતો ખેતી કરવાને બદલે માર્ગો પર ઉતરી ભાજપની સરકાર સામે આંદોલન કરવા મજબૂર બન્યા છે. ભાજપની આ નીતિથી ખેડૂતો પાયામાલ થઇ ગયા છે. આટલું જ નહીં ભાજપના ભ્રષ્ટાચાર અને વધતી જતી મોંઘવારીથી લોકો ત્રસ્ત છે.

રાજયમાં ભાજપની સરકાર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ રાજયનું એક એવું શહેર નથી જયાં પહેલા વરસાદમાં પાણી ભરાયા ન હોય. 

સુરતમાં તો પ્રિમોન્સુન કામગીરીના ઘજાગરા ઉડયા છે. લોકોના ઘર, દુકાન અને વેપાર-ઘંધાના સ્થળ ડૂબી ગયા છે. ૯ લોકોના મોત નિપજયા છે. આમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી.

ચૂંટણી પૂર્વે જામનગરમાં દૈનીક પાણી વિતરણના દાવા ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતાં. પરંતુ આજે એકાંતરા પાણી વિતરણના પણ સાંસા છે. જામનગર સહીત રાજયભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આ તમામ મુદાઓ સાથે મીશન-૨૦૨૭ એટલે કે વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી કરવામાં આવશે.આટલું જ નહીં આગામી દીવસોમાં લોકોના પ્રશ્ર્નો અને સમસ્યા ઉઠાવાશે. તદઉપરાંત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પરિણામોની સમીક્ષા કરી કયાં કયાં મુદાઓમાં ચૂક થઇ છે તે અંગે આગામી રણનીતિ ઘડવામાં આવશે અને સંગઠનમાં નિષ્કીય આગેવાનો અને સભ્યોની પણ સમીક્ષા કરી જ‚ર પડયે આ અંગે પણ પગલાં લેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. 

આ સમીક્ષા બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી તથા રાજયસભાના સાંસદ મુકુલ વાસનીક, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરી, દેેવેન્દ્વ યાદવ, પૂર્વ કોંગી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સુભાસીની યાદવ, રામકીશન ઓઝા, લલીતભાઇ વસોયા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, રહીમ સોરા,  શહેર કોગ્રેંસ પ્રમુખ દીગુભા જાડેજા, જિલ્લા કોંગી પ્રમુખ મનોજ કથીરીયા તથા કોંગી આગેવાન બીપેન્દ્રસિંહ જાડેજા, જે.પી.મારવીયા, સહારાબેન મકવાણા, ડો.દીનેશભાઇ પરમાર, કીશનભાઇ નંજાર, ભરતભાઇ વાળા, મહીપાલસિંહ જાડેજા, રવીન્દ્વસિંહ ગોહીલ હાજર રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News