BREAKING NEWS

જામ્યુકોમાં ભાજપને ૧૦ બેઠકનો લાભ, કોંગીને ૯ સીટનો ફટકો, આપનો ઉદય

  • April 29, 2026 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોમાં ભાજપને ૧૦ બેઠકનો લાભ, કોંગીને ૯ સીટનો ફટકો, આપનો ઉદય

રાજકીય ગણીત ઉંઘા પડ્યા: વર્ષ-૨૦૨૧ની મનપાની ચૂંટણીમાં ૬૪ માંથી ૧૦ વોર્ડમાં પેનલ સહીત ભાજપે કુલ ૫૦ બેઠક મેળવી તી, બસપાએ ત્રણેય બેઠક ગુમાવી 

ગત ચૂંટણીમાં શહેરના ૧૦ વોર્ડમાં આવેલી પેનલ જાળવવાની સાથે વોર્ડ નં.૧,૪,૬,૧૩ અને ૧૫ માં પણ ચારેય બેઠક ભાજપે મેળવી: આંચકાજનક પરિણામની ચોમેર ચર્ચા


જામનગર મહાનગરપાલીકાની ગત ચૂંટણીની સાપેક્ષમાં ભાજપને ૧૦ બેઠકનો  લાભ થયો એટલે કે લોટરી લાગી છે. કોંગ્રેસને ૯ સીટનો ફટકો પડ્યો છે તો બે બેઠક સાથે આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. બસપાએ તમામ ત્રણેય બેઠક ગુમાવી છે. વર્ષ-૨૦૨૧ની મનપાની ચૂંટણીમાં ૬૪ માંથી ૧૦ વોર્ડમાં પેનલ સહીત ભાજપે કુલ ૫૦ બેઠક મેળવી હતી. ગત ચૂંટણીમાં શહેરના ૧૦ વોર્ડમાં આવેલી પેનલ જાળવવાની સાથે વોર્ડ નં.૧,૪,૬,૧૩ અને ૧૫ માં પણ ચારેય બેઠક ભાજપના ફાળે ગઇ છે. જામ્યુકોની ચૂંટણીના અકલ્પનીય અને આંચકાજનક પરિણામથી તમામ રાજકીય ગણીત ઉંઘા પડયા છે ત્યારે શહેરમાં ચોમેર આ પરિણામની ચર્ચા થઇ રહી છે. 


જામનગર મહાનગરપાલીકાની ચૂંટણીની ગઇકાલે મતગણતરીના અંતે પરિણામ જાહેર થયું હતું. જેમાં શહેરના કુલ ૧૬ વોર્ડની ૬૪ બેઠકમાંથી ભાજપને ૬૦ અને કોંગ્રેસને ૨ અને આમ આદમી પાર્ટીને બે બેઠક મળી છે. શહેરના ૧૬ માંથી ૧૫ વોર્ડમાં ભાજપના ઉમેદવારની પેનલનો વિજય થયો છે. ગત ચૂંટણીની સરખામણીએ ચાલુ વર્ષની મનપાની ચૂંટણીના પરિણામ અકલ્પનીય રહ્યા છે. કારણ કે, વર્ષ-૨૦૨૧ની મનપાની ચૂંટણીમાં મનપાની ૬૪ બેઠકમાંથી ભાજપને કુલ ૫૦ બેઠક મળી હતી. જેમાં વોર્ડ નં. ૨, ૩, ૫, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૪ અને ૧૬ માં ભાજપની પેનલ એટલે કે ચારેય ઉમેદવાર વિજેતા થયા હતાં. જયારે ભાજપને વોર્ડ નં.૪,૧૩ અને ૧૫ માં ત્રણ-ત્રણ અને વોર્ડ નં.૬ માં એક બેઠક મળી હતી. પરંતુ ગઇકાલે જાહેર થયેલા મનપાની ચૂંટણીના પરિણામમાં ગત ચૂંટણીમાં જે વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા થઇ હતી તે ઉપરાંત અન્ય વોર્ડ નં. ૧, ૪, ૬, ૧૩ અને ૧૫ માં પણ ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા થયા છે. આથી ભાજપને કુલ ૬૪માંથી ૬૦ બેઠક મળી છે. આમ ગત ચૂંટણી કરતા ભાજપને ૧૦ બેઠકનો ફાયદો એટલે કે લોટરી લાગી છે. 


બીજી બાજુ ગત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ ૧૧ બેઠક મળી હતી. જેમાં વોર્ડ નં.૧ અને ૧૨ માં કોંગ્રેસની પેનલ એટલે કે ચારેય ઉમેદવારનો વિજય થયો હતો. જયારે વોર્ડ નં.૪,૧૩ અને ૧૫ માં એક-એક બેઠક મળી હતી. પરંતુ વર્ષ-૨૦૨૬ની મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થતા ૯ બેઠક ગુમાવવી પડી છે. જેમાં વોર્ડ નં.૧ કે જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે તેમાં ચારેય બેઠક પર પરાજય થયો છે. જયારે વોર્ડ નં.૪, ૧૩ અને ૧૫ માં ગત ચૂંટણીમાં આવેલી એક બેઠક અને વોર્ડ નં.૧૨માં બે બેઠક ગુમવાવી પડી છે.

​​​​​​​
તદઉપરાંત મનપાની ગત ચૂંટણીમાં વોર્ડ નં.૬ માં બહુજન સમાજ પાર્ટીને ૩ બેઠક મળી હતી. પરંતુ આ વર્ષની ચૂંટણીમાં બસપાને આ વોર્ડ ઉપરાંત અન્ય વોર્ડમાં પણ એકેય બેઠક ન મળતા ત્રણેય બેઠક ગુમાવી છે. બીજી બાજુ મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. કારણ કે, મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત વોર્ડ નં.૧૨માં આમ આદમી પાર્ટીને બેઠક મળી છે. જામનગર મહાનગરપાલીકાની ચૂંટણીના ગઇકાલે જાહેર થયેલા આંચકાજનક અને અકલ્પનીય પરિણામના કારણે તમામ રાજકીય ગણીત ઉંઘા પડયા છે અને રાજકીય તજજ્ઞો પણ ચકરાવે ચડયા છે ત્યારે આ આંચકાજનક અને અકલ્પનીય પરિણામની શહેરભરમાં ચોમેર ચર્ચા થઇ રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application