દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની અધ્યક્ષતામાં નવનિયુક્ત પદાધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યશાળા યોજાઈ
જાહેરજીવનમાં લોકસેવાને પ્રાધાન્ય આપી કશું મેળવવા માટે નહીં, પરંતુ કશું આપવાનો ભાવ રાખી કાર્ય કરવું જોઈએ - પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા
નવનિયુક્ત પદાધિકારીઓએ જનસેવા માટે લોકસંપર્ક વધુ સશક્ત બનાવવા માટે આહવાન કરતા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયા
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આયોજિત ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા તેમજ ધારાસભ્ય મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે આયોજિત કાર્યશાળા દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓને વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત દ્વારા "રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન" અંતર્ગત જિલ્લાના નવનિયુક્ત પદાધિકારીઓ અને સદસ્યોની વહીવટી કુશળતા અને ક્ષમતા નિર્માણ અર્થે જિલ્લા પંચાયત, જામખંભાળિયા ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની અધ્યક્ષતામાં એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, લોકશાહીમાં જનપ્રતિનિધિ તરીકે આપણી નિયુક્તિ એ નાગરિકોનો વિશ્વાસ અને અપેક્ષાઓનું પ્રતીક છે. લોકશાહી ઢબે ચૂંટણી પદ્ધતિ દ્વારા નાગરિકો આપણે જનસેવા માટે જે તક આપી છે તેને આપણે સૌએ જનસેવા માટે હંમેશા સમર્પિત રહેવું જોઈએ. લોકશાહીના મૂલ્યો અને આદર્શોને અનુસરીને ખરા જનસેવક તરીકે નાગરિકોની સુખાકારી માટે હરહંમેશ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
વધુમાં પ્રભારી મંત્રીએ કહ્યું કે, પંચાયત ક્ષેત્રે વહીવટી કુશળતા અને જાણકારી પ્રાપ્ત કરવી ખૂબ જ આવશ્યક છે. ત્રી સ્તરીય પંચાયતી રાજનું માળખુએ ગ્રામ સ્વરાજનો પાયો છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, ભારત દેશનો આત્મા ગામડાઓમાં વસે છે એટલે જ જો ગ્રામ સમૃદ્ધ હશે તો રાષ્ટ્ર સમૃદ્ધિની પરિકલ્પના અવશ્ય સાકાર થશે. મહાત્મા ગાંધીજીની સ્વરાજ્યની પરિકલ્પને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુપેરે આગળ ધપાવી રહ્યા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને ચરિતાર્થ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ઝડપભેર કામગીરી કરી રહી છે. છેવાડાના માનવી સુધી કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓ લાભ પહોંચે તે માટે આયોજનબદ્ધ રીતે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
જનપ્રતિનિધિઓને ગ્રામ પંચાયતએ પંચાયતી રાજ માળખાનું સૌથી મહત્વનું અંગ છે તેમ જણાવી વધુમાં પ્રભારીમંત્રીશ્રીએ કહ્યું કે, યોગ્ય નાણાંકીય વ્યવસ્થાપન , નીતિ નિયમો, કુશળ વહીવટ થકી ગ્રામ પંચાયતોને વધુ સશક્ત અને સમૃદ્ધ બનાવી જોઈએ. જાહેરજીવનમાં લોકસેવા થકી કશું પ્રાપ્ત કરવાનું નહીં, પરંતુ નાગરિકોને કંઈક આપવાનો ભાવ અપનાવવો જોઈએ. ગ્રામ પંચાયતો મળતી નાણાંકીય સહાય સિવાય પંચાયતોએ પોતાને આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. ઉપરાંત, જનપ્રતિનિધિઓએ સતત નાગરિકોના સંપર્કમાં રહીને લોકસંપર્ક વધુ મજબૂત બનાવવો જોઈએ જે થકી નાગરિકોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવી શકાય. તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓએ સમાજ માટે અરીસા સમાન હોવાથી વહીવટી ક્ષેત્રે પારદર્શિતા જાળવવી જોઈએ. આજની આ તાલીમનો મુખ્ય ઉદેશ્ય સરકારની વિવિધ યોજનાઓ, નિયમો, વહીવટી પ્રક્રિયાઓથી અવગત કરાવવાનો છે. એટલે જ જનસેવા કરવાની ઇશ્વરે જે આપણે તક આપી છે તે પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામગીરી કરવા સૌ પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રીબેન હાથિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકર કરવા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અમલીકરણ માટે પંચાયત ક્ષેત્ર મહત્વની કડી સમાન છે. જિલ્લા પંચાયત ખાતે આયોજિત પદાધિકારીઓ માટે ક્ષમતા નિર્માણનો તાલીમવર્ગ પદાધિકારીઓને તેમની સત્તા, કાર્યો અને જવાબદારીઓથી અવગત થવાનું મહત્વનું માધ્યમ બનશે અને ભવિષ્યમાં લોકસેવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ તકે ધારાસભ્ય મુળુભાઇ બેરાએ કહ્યું કે, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ લોકશાહીના પાયાના પથ્થર સમાન પંચાયતી રાજના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યું છે. છેવાડાના વિસ્તારો સુધી જનકલ્યાણકારી યોજનાઓ લાભ પહોંચે અને વિકસિત ભારત ૨૦૪૭નો સંકલ્પ સાકાર થાય તે માટે ચૂંટાયેલા પદાધિકારીઓએ પોતાની જવાબદારીઓનું પ્રમાણિક પણે વહન કરવું જોઈએ. તેમજ આજરોજ યોજાઈ રહેલ તાલીમમાં આપણે વિધાર્થી ભાવ તરીકે તાલીમ મેળવી તેના અનુભવનો ઉપયોગ જનસેવામાં કરવો જોઈએ.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આયોજિત ક્ષમતા નિર્માણ કાર્યક્રમમાં માસ્ટર ટ્રેનર કોટેચા દ્વારા પદાધિકારીઓને પંચાયતી રાજ વ્યવસ્થાના પરિચય, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓની ભૂમિકા સત્તાઓ, જવાબદારીઓ અને વૈધાનિક ફરજો, ગ્રામ સભાનું મહત્વ સહિતના વિષયો સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આયોજિત એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચિમનભાઈ નકુમ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રંજનબેન ડેર, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ચ.પી.જોશી, અગ્રણી સર્વે કશ્યપભાઈ ડેર, જે.કે.હાથિયા, એભાભાઈ કરમૂર સહિત તાલુકા પંચાયત પ્રમુખઓ,જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો, સદસ્યો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા