BREAKING NEWS

જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડીમાં કારગિલ વિજય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી

  • July 29, 2026 02:13 PM 

જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડીમાં કારગિલ વિજય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી

હાલમાં સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પ્રાપ્ત કરેલા ઐતિહાસિક વિજયની ૨૭મી વર્ષગાંઠ નિમિત્તે કારગિલ વિજય દિવસ દેશભક્તિ અને ગૌરવની ભાવના સાથે ઉજવવામાં આવ્યો.

કાર્યક્રમની શરૂઆત સ્કૂલના વોર મેમોરિયલ 'શૌર્ય સ્તંભ' ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ ગૃપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમડે દ્વારા રાષ્ટ્રની અખંડિતતા અને સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ સ્કૂલના ઓડિટોરિયમમાં સ્મારક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત કારગિલ યુદ્ધના ઐતિહાસિક મહત્ત્વ અંગેની સંક્ષિપ્ત રજૂઆતથી થઈ. ત્યારબાદ કેડેટ માનવ તેરૈયાએ પ્રેરણાદાયી ભાષણ આપતાં ભારતીય સશસ્ત્ર દળોની શૂરવીરતા, અડગ મનોબળ અને નિઃસ્વાર્થ રાષ્ટ્રસેવા પર પ્રકાશ પાડ્યો. ધોરણ ૮ના કેડેટ્સ દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિ નૃત્યે સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું. કાર્યક્રમ દરમિયાન કેડેટ્સ દ્વારા કારગિલ યુદ્ધના શહીદોની શૂરવીરતા અને સર્વોચ્ચ બલિદાનને રજૂ કરતી ભાવસ્પર્શી સ્કીટ રજૂ કરવામાં આવી,  ઉપસ્થિત  રહેલા સૌને દેશભક્તિની લાગણીથી ઓતપ્રોત કર્યા. ઉપરાંત, ઓપરેશન વિજયની મહત્વપૂર્ણ ઘટનાઓ અને તેની સફળતાને દર્શાવતી માહિતીસભર ઑડિઓ-વિઝ્યુઅલ રજૂઆતો પણ પ્રદર્શિત કરવામાં આવી, જે ભારતીય સશસ્ત્ર દળોની અદમ્ય હિંમત અને પરાક્રમને ઉજાગર કરતી હતી. 

આ પ્રસંગે પ્રિન્સિપાલ ગૃપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમડેએ કારગિલ વિજય દિવસની શુભેચ્છાઓ પાઠવતાં કેડેટ્સને જીવનમાં સખત મહેનત, શિસ્ત અને પ્રામાણિકતા જેવા ત્રણ મૂળભૂત મૂલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા આપી. તેમણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના પ્રેરણાદાયી શબ્દો ટાંકતાં કહ્યું: "સપનું એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો; સપનું તો એ છે જે તમને ઊંઘવા દેતું નથી." તેમણે કેડેટ્સને અવિરત પરિશ્રમ, સમર્પણ અને દૃઢ સંકલ્પ સાથે પોતાના જીવનલક્ષ્યો હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા. 

આ કાર્યક્રમમાં વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી, જયેશ કુંટે, સુશીલ કેડકર, સ્ટાફના સભ્યો તથા તમામ કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે સુનિતા કાદેમાણી (પીજીટી – અંગ્રેજી)ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન ગાન સાથે થયું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ કારગિલના અમર શહીદોના શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રસેવાના આદર્શોને સ્મરણ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application