જામનગરમાંં મહાવીર સ્વામીને સોનાના વરખની આંગી, કાલે સવંત્સરી પર્વની ઉજવણીં
ઉજવણી: જૈન સમાજના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વમાં મહાવીર જન્મ કલ્યાણકની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી
જામનગરમાં જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ભાવભેર અને ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પર્યુષણ પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે વિવિધ જિનમંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જૈન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ધાર્મિક ભાવના સાથે પૂજા-અર્ચના તેમજ તપ-આરાધના કરવામાં આવી રહી છે.
જામનગરના પેલેસ જૈન દહેરાસરમાં મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનને સોનાના વરખની આંગી તથા વિવિધ પ્રકારનાં પુષ્પોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. સાથે જ દેરાસરમાં દીવડાઓની રોશનીથી સમગ્ર પરિસર ઝગમગી ઊઠ્યું હતું. ભક્તોએ ભગવાન મહાવીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પર્યુષણ પર્વ નિમિત્તે શહેરના વિવિધ જૈન દેરાસરોમાં પણ વિશેષ આંગી, દર્શન, પૂજા-અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ઉપવાસ, એકાસણાં, આયંબિલ સહિતની વિવિધ તપસ્યા કરવામાં આવી રહી છે અને સમગ્ર જૈન સમાજમાં ભક્તિ તથા આરાધનાનો માહોલ છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application