જામનગરમાં યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
અઢી લાખના બદલે ૮.૧૨ લાખ વ્યાજખોરે પડાવ્યા હોવાનો આક્ષેપ
જામનગરમાં વ્યાજખોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના મયુરનગર વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ રામલાલ મોરીયાએ પાડોશમાંજ રહેતા વ્યાજખોર ખુમાનસિંહ રણજીતસિંહ જાડેજા સામે મુદલ રકમ કરતાં અનેકગણી રકમ વસૂલવા, વ્યાજ પર વ્યાજ એટલેકે રાક્ષસી વ્યાજ વસૂલવા તથા કોરા ચેક પરત ન આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, કોરોના મહામારી દરમિયાન વર્ષ ૨૦૨૧માં પોતાનો પરિવાર કોરોના ની બીમારીમાં સપડાયો હતો, અને આર્થિક સંકટને કારણે ઉમેશભાઈએ ખુમાનસિંહ પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ. ૨.૫૦ લાખ ઉધાર લીધા હતા. આ રકમ પર માસિક ૧૦ ટકા વ્યાજ નક્કી થયું હતું અને બદલામાં એસબીઆઈ બેંકના ત્રણ કોરા ચેક આપવામાં આવ્યા હતા.
ઉમેશભાઈના જણાવ્યા અનુસાર, તેમણે દર મહિને વ્યાજની રકમ ચૂકવતા ચૂકવતા એસબીઆઈ અને બેંક ઓફ બરોડાના ખાતાઓ મારફતે કુલ ૮.૧૨ લાખ ટ્રાન્સફર કર્યા હતા. તેમ છતાં આરોપીએ હજુ ૧.૪૦ લાખ બાકી હોવાનું કહી ત્રણેય ચેક પરત આપવાનો ઇનકાર કર્યો હતો અને રૂપિયા નહીં આપે તો પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. સીટી-સી પોલીસ દ્વારા ફરીયાદ અનુસંધાને તપાસ હાથ ધરવામાં આવી છે.