જામનગરમાં વીમા પોલીસીમાં છેડછાડ કર્યાની ફરીયાદ
બનાવટી પોલીસી બનાવી કોર્ટમાં રજૂ કરતા મામલો સામે આવ્યો
જામનગરમાં અકસ્માત વળતર મેળવવા અંગેના કોર્ટ કેસમાં અસલ વીમા પોલીસીમાં છેડછાડ કરી તેની મુદત સહિતની વિગતોમાં ફેરફાર કરીને બનાવટી વીમા પોલીસી તૈયાર કરી કોર્ટમાં સાચી તરીકે રજૂ કરવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ અંગે રાજકોટ ખાતે મોચીનગર સોસાયટીમાં રહેતા અને ક્લેમ વિભાગમાં સિનિયર એસોસિયેટ તરીકે ફરજ બજાવતા નિસાર ફતેહમામદ જાડેજા (ઉંમર ૪૨)એ પંચકોશી-એમાં જેસીંગપરા કારખાનાવાળો વિસ્તાર અમરેલીના યુવરાજસિંહ દાદુભા જાડેજા અને તપાસમાં જે ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી છેલ્લા આશરે પાંચ વર્ષથી વીમા કંપનીમાં ફરજ બજાવે છે અને તેમની કામગીરીમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં કોર્ટમાં આવતા વાહન અકસ્માતના વળતર દાવાઓને લગતા પોલીસ કેસના કાગળો મેળવવા તેમજ ફરિયાદી અને સામેવાળા પક્ષની તપાસ કરવાની કામગીરીનો સમાવેશ થાય છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ, જામનગરના અકસ્માત વળતર દાવા કેસ નં. ૩૦/૨૦૨૪ અંગેના દસ્તાવેજો એપ્રિલ-૨૦૨૪ દરમિયાન ફરિયાદીની કંપનીની શાખા કચેરીમાં આવ્યા હતા. આ કેસમાં દાવાની અરજી, દસ્તાવેજોની યાદી તથા અન્ય કાગળો કોર્ટના સમન્સ સાથે રજૂ કરવામાં આવ્યા હતા.
આ દસ્તાવેજોની તપાસ દરમિયાન પંચ એ ડિવિઝન પોલીસ મથક, જામનગરમાં નોંધાયેલા ગુના નં. ૧૧૨૦૨૦૪૫૨૪૦૦૨૯/૨૦૨૪માં સંડોવાયેલા અશોક લેલન ટ્રક નંબર જીજે-૧૪-એક્સ-૫૭૪૦ની વીમા પોલીસી રજૂ કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ ગુનો તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ના અકસ્માતના બનાવ અંગે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ સહિતની કલમો હેઠળ નોંધાયો હતો.
રજૂ કરાયેલી વીમા પોલીસીનો નંબર ડી૦૧૯૧૫૫૧૫૨ હતો. આ પોલીસીમાં પોલીસી ઈશ્યુ તારીખ, ઈન્વોઈસ તારીખ તથા રસીદની તારીખમાં કેટલીક શંકાઓ ઉપજી હતી અને વિગતોમાં છેડછાડ કરાયાનું જણાયુ હતું.
આમ, કોર્ટમાં રજૂ કરવામાં આવેલી પોલીસી અને વીમા કંપનીના અસલ રેકર્ડમાં રહેલી પોલીસીની મુદતમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અસલ વીમા પોલીસીમાં છેડછાડ કરી તેની વેલીડિટીનો સમયગાળો તથા અન્ય વિગતો બદલીને નવી બનાવટી પોલીસી તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવટી પોલીસીને સાચી વીમા પોલીસી તરીકે અકસ્માત વળતર કેસમાં રજૂ કરવામાં આવી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને વળતર ચૂકવવાની જવાબદારીમાંથી બચવાના હેતુથી આ પ્રકારની બનાવટી વીમા પોલીસી રજૂ કરવામાં આવી હોવાની ફરિયાદીને શંકા છે.
આ અંગે નિસાર ફતેહમામદએ યુવરાજસિંહ દાદુભા જાડેજા વિરુદ્ધ તેમજ પોલીસ તપાસ દરમિયાન આમાં સંડોવણી બહાર આવે તે તમામ વ્યક્તિઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવાની માગ સાથે પંચ એ ડિવિઝન પોલીસ મથકમાં તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાવી છે. જે અંગે પીઆઇ ધાસુરા અને સ્ટાફ તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application