જામનગરમાં જન આરોગ્ય સાથે ચેડા યથાવત,૩૦૩ કીલો વાસી ખોરાકનોે નાશ
જામનગરમાં મનપાની ફુડશાખાના અવિરત ચેકીંગ બાદ પણ ૧૧૮ પેઢીમાં કરવામાં આવેલી તપાસમાં ૩૦૩ કીલો વાસી ખોરાક મળી આવતા દળી દળીને ઢાંકણીની સાથે જન આરોગ્ય સાથે ચેડા યથાવત રહ્યાની સ્થિતિ પ્રર્વતી રહી છે. ચેકીંગ દરમ્યાન અનહાઇજેનીક પ્રેકટીસ સબબ ૧૯ પેઢીને ૭૭ હજારનો દંડ ફટકરાયો છે. ખાધપદાર્થના ૮૩ નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે. પ્રીન્ટેડ પસ્તી અને અખાધ તેલનો નાશ કરાયો છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્ર્નર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં હેલ્ધી અને હાઇજેનિક ફૂડ મળી રહે તેમજ હોટેલ-રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો અને ફાસ્ટફૂડની રેકડીઓમાં વપરાતા ખાદ્યતેલ, પ્રિન્ટેડ પસ્તી અને વાસી ખાદ્યપદાર્થ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ, એસ.ટી. રોડ, સુમેર ક્લબ રોડ, દિગ્વિજય પ્લોટ, પ્રદર્શન મેદાન, ગુલાબનગર, ગાયત્રીચોક, નવાગામ ઘેડ, સેન્ટ્રલ બેંક રોડ, હવાઈ ચોક, લાલપુર બાયપાસ, નંદનવન, ૫૬ દિગ્વિજય પ્લોટ, જોલી બંગલો, ૫૮ દિગ્વિજય પ્લોટ તથા ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં આવેલી હોટેલ-રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો અને રેકડી-ફેરિયાઓ સહિત કુલ ૧૧૮ પેઢીની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલા કુલ ૩૦૩ કિલો વાસી ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ટીપીસી (ટોટલ પોલર કમ્પાઉન્ડ)નું પ્રમાણ ૨૫થી વધુ જણાતા ૧૦ કિલો ખાદ્યતેલનો તેમજ ખાદ્યપદાર્થોના ઉપયોગ માટેની ૫૯ કિલો પ્રિન્ટેડ પસ્તીનો પણ નાશ કરવામાં આવ્યો હતો. વેપારીઓને સાફસફાઈ અને સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા તાકીદ કરવામાં આવી હતી.
કુલ ૧૧૮ પેઢીની તપાસ દરમિયાન ૧૯ પેઢીમાં અનહાઇજેનિક પ્રેક્ટિસ જણાતાં કુલ રૂ.૭૭,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કુલ ૭૨ નમૂના લઇ ઢીંચડા ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, જ્યારે વધુ ૧૧ નમૂના ટેસ્ટિંગ માટે વડોદરા મોકલવામાં આવ્યા છે. આ નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.