જામનગર : દેશ વિરોધી તાકતો સાથે વિદેશમાં કોંગ્રેસના નેતાઓ ચૂપચાપ મળે છે
સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા તથા એસઆઇઆરના મુદે જામનગરમાં પત્રકારો સાથે ઔપચારિક મુલાકાત દરમ્યાન ભાજપના સહપ્રભારી અજય મહાવરેએ કોંગી પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે દેશ વિરોધી તાકતો સાથે વિદેશમાં કોંગ્રેસના નેતાઓ ગુપચુપ મુલાકાત કરે છે, કોંગ્રેસ વર્ષોથી સતાથી વિમુખ હોવાના કારણે હતાશ થઇ ગઇ છે.
જામનગર સર્કિટ હાઉસખાતે ભારતીય જનતા પાર્ટીના સહપ્રભારી અજય મહાવરે, પ્રદેશ મહામંત્રી અને ઝોન પ્રભારી અનિદ્ધભાઇ દવે દ્વારા જામનગરમાં સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા તથા એસઆઇઆરની યથાર્થતા મામલે જામનગરનાં પ્રેસમીડીયા સાથે બેઠક રાખવામાં આવી હતી. જેમાં લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો, મામલે પ્રભારી તથા સહપ્રભારી દ્વારા પોતાનો પક્ષ રાખવામાં આવ્યો હતો. ઝોન પ્રભારી અનિદ્ધભાઇ દવેએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ચુંટણી આયોગ પર આક્ષેપો કરે છે પરંતુ દેશનું ચુંટણી આયોગ વિશ્ર્વના ૭૯ દેશોમાં મોનેટરીંગ કરે છે, જયાં કોંગ્રેસ જીતે છે તે રાજયમાં તેમનો રાગ બદલાઇ જાય છે.
પત્રકારો સાથે વાતચીતમાં અજય મહાવરે તથા અનિદ્ધ દવેએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળ દરમ્યાન દસ વખત એસઆઇઆર કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસને કોઇ વાંધો ન હતો, ભાજપ દ્વારા એસઆઇઆર કરવામાં આવ્યું ત્યારે પ્રોબ્લેમ થયો, દેશમાં ૩ કરોડથી વધુ બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તેની હિજરતથી કોંગ્રેસને પેટમાં દુખાવો ઉપડયો છે, કોંગ્રેસને ચા બનાવનાર વ્યકિત વડાપ્રધાન બની ગઇ તે કોંગ્રેસ પચાવી શકી નથી, વિદેશમાં રાહુલ ગાંધી દેશ વિરોધી વ્યકિતઓને પારદર્શિતાથી મળતા નથી અને છુપાઇ છુપાઇને મળે છે તેનું કારણ શું ? તેવો પ્રશ્ર્ન પણ તેમણે કર્યો હતો.
ભારતની સંસ્કૃતિને ઓળખતા નથી અને રાષ્ટ્રપતિ, સુપ્રિમ કોર્ટ કે ઇલેકશન કમીશન પણ કોંગ્રેસને વિશ્ર્વાસ નથી, કોંગ્રેસમાં સંગઠન નથી અને લોકોનાં કામ કરવાની નીતિ પણ નથી, જેના કારણે દેશના અનેક રાજયોમાંથી તેમનું શાસન રહ્યું ન હોવાના કારણે કોંગ્રેસ પક્ષ બેબાકળો બનીને ખોટો વિરોધ કરી રહ્યો છે.
આ સમયે જામનગર જિલ્લા પ્રમુખ ડો. વિનુભાઇ ભંડેરી, શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ કાનાણી, મૃગેશ દવે, મીડીયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.