૮પ૦ કીમીની યાત્રા પૂર્ણ કરી સાયકલવીર પહોંચ્યો દ્વારકા: ઠાકોરજીને ઝુકાવ્યું શીશ
દેવભૂમિ દ્વારકા પવિત્ર યાત્રાધામમાં રાજસ્થાનના જોધપુર જિલ્લાના લુણી ગામના સાઇકલવીર અમનરાવ સરેચા લાંબી અને પ્રેરણાદાયી સાઇકલ યાત્રા પૂર્ણ કરીને પહોંચ્યા હતા. અડગ શ્રદ્ધા, દૃઢ મનોબળ અને અવિરત પરિશ્રમના બળે તેમણે જોધપુરથી દ્વારકા સુધીનું અંદાજે ૮૫૦ કિલોમીટરનું અંતર સાઇકલ પર કાપીને પોતાની ધાર્મિક યાત્રા સફળ બનાવી હતી.
દ્વારકા પહોંચ્યા બાદ અમનરાવ સરેચાએ સૌપ્રથમ વિશ્વવિખ્યાત દ્વારકાધીશ મંદિરમાં જઈ ભગવાન કાળિયા ઠાકોરજીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. મંદિર પરિસરમાં શીશ ઝુકાવી તેમણે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને પોતાની લાંબા સમયથી મનમાં રાખેલી યાત્રાનો સંકલ્પ પૂર્ણ થતાં ધન્યતા અનુભવી હતી.
આ સમગ્ર યાત્રા દરમિયાન વિવિધ શહેરો અને ગામોમાંથી પસાર થઈ તેઓએ શ્રદ્ધા અને સાહસનો અનોખો સંદેશ આપ્યો હતો. તેમની આ સાઇકલ યાત્રા યુવાનો માટે ફિટનેસ, પર્યાવરણ જાગૃતિ અને ધાર્મિક આસ્થાનું ઉત્તમ ઉદાહરણ બની છે. દ્વારકા પહોંચતાં સ્થાનિકો અને યાત્રાળુઓએ પણ તેમના આ અનોખા પ્રયાસની પ્રશંસા કરી હતી. શ્રદ્ધા, સંકલ્પ અને આત્મવિશ્વાસના બળે પૂર્ણ કરાયેલી આ ૮૫૦ કિલોમીટરની સાઇકલ યાત્રા અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે.