જામનગરમાં ઉંદરોને પકડવાની જીવલેણ ગ્લુ ટ્રેપ દવા પર પ્રતિબંધ
જામનગર જિલ્લામાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કારોબારીની પ્રથમ બેઠક કલેક્ટરના અઘ્યક્ષ સ્થાને યોજાઇ
જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે: વન્યજીવ અને પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિઓને વેગ આપવા મહત્વના નિર્ણયો લેવાયા
જામનગર શહેર-જિલ્લામાં ઉંદરોને પકડવાની જીવલેણ ગ્લુ ટ્રેપ દવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કારોબારી ની કલેકટરના અઘ્યક્ષ સ્થાને યોજાયેલી પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે. તદઉપરાંત વન્યજીવ અને પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિઓને વેગ આપવા મહત્વના નિર્ણયો લેવાયા હતાં.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી ની વર્ષ ૨૦૨૬-૨૭ ની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં અબોલ જીવો પ્રત્યે થતી ક્રૂરતા અટકાવવા અને વન્યજીવ તેમજ પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિઓને વેગ આપવા અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા અંગે ભાર મૂકતા અધ્યક્ષ અને કલેક્ટર પી.બી.પંડ્યાએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ઉંદર અને અન્ય જીવજંતુઓને પકડવા માટે વપરાતી જીવલેણ ગ્લૂ ટ્રેપના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તેમજ ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પ્રકારની કડક જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં, કલેક્ટરે જિલ્લામાં પ્રાણી ક્રૂરતા સંદર્ભે મળતી ફરિયાદો પર વહીવટીતંત્રને ત્વરિત અને અત્યંત કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા સહિત સમિતિના અન્ય સરકારી અને બિનસરકારી સભ્યો, પશુપાલન વિભાગના અધિકારીઓ તેમજ પ્રાણી કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના જરૂરી સૂચનો રજૂ કર્યા હતા.