BREAKING NEWS

દ્વારકામાં ૧પ વર્ષના પૃથ્વી સામાણીનું વોકીંગ કરતા-કરતા હાર્ટ એટેકથી મૃત્યુ

  • August 03, 2026 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં ૧પ વર્ષના પૃથ્વી સામાણીનું વોકીંગ કરતા-કરતા હાર્ટ એટેકથી મૃત્યુ

વેપારી આગેવાન હરીદાસ સામાણીના પૌત્રના નિધનથી શહેરમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ: અંતિમ યાત્રામાં લોહાણા સમાજના આગેવાનો સહિત વેપારી અગ્રણીઓ જોડાયા

કોવિડની મહામારી બાદ કિશોર અને યુવાનોના હ્યદયરોગના હુમલાથી ભેદી રીતે મૃત્યુ થઇ રહ્યા છે, આવી જ એક ચોંકાવતી ઘટના આજે સવારે દેવભૂમિ દ્વારકા ખાતે બની છે જયાં માત્ર ૧૫ વર્ષના કિશોરનું વોકીંગ કરતા કરતા હ્યદયરોગના હુમલાથી દુ:ખદ નિધન થયુ છે અને વધુ એક વખત એ સવાલ સામે આવ્યો છે કે આખરે નાની વયમાં હ્યદરોગના હુમલાનું પ્રમાણ શું કામ વધ્યું છે, કાર્ડીયાક એરેસ્ટની આ ઘટનાએ દ્વારકાની સાથે સાથે હાલારભરના લોકોને ચોંકાવી દીધા છે અને ચિંતાની લાગણી પણ જન્મી છે. 

યાત્રાધામ દ્વારકામાં આજે સવારે એક અત્યંત દુ:ખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. દ્વારકાના પ્રીતમ જીમખાના ખાતે સવારે ૭:૩૦ વાગ્યાના સુમારે નિત્યક્રમ મુજબ વોકિંગ કરી રહેલા ૧૫ વર્ષીય  પૃથ્વી સામાણીનું અચાનક હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા ક‚ણ અવસાન થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર દ્વારકા શહેર સહિત લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે અને પરોઢિયે બનેલી આ ઘટનાથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ પૃથ્વી સામાણી દરરોજની જેમ આજે વહેલી સવારે વોકીંગ કરવા માટે પોતાના નિવાસસ્થાનેથી નીકળ્યો હતો ત્યારે પ્રીતમ જીમખાનામાં વોકીંગ કરતી વેળાએ અચાનક હ્યદયરોગનો હુમલો આવતા ઢળી પડયો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનો તથા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વિલંબ કર્યા વિના તેમને સારવાર માટે દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ જરૂરી સારવાર કર્યા બાદ પૃથ્વીને મૃત જાહેર કર્યો હતો. કિશોરના અચાનક અવસાનના સમાચાર મળતા પરિવારોમાં કરૂણ આક્રંદ મચી ગયો હતો. દ્વારકા સહિત હાલારભરમાં ઘટનાની જાણ થતા જ શોક ફેલાયો હતો. લોહાણા સમાજના અગ્રણીઓ મૃતકના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક પૃથ્વી સામાણીના પિતા ઘનશ્યામદાસભાઇ હરિદાસભાઇ સામાણીનું કોરોના મહામારીમાં અવસાન થયું હતું. પિતાના અવસાનના દુ:ખમાંથી હજુ પરિવાર સંપુર્ણપણે બહાર આવે તે પહેલા જ પુત્રના અચાનક નિધનથી સામાણી પરિવાર પર વધુ એક આઘાત તૂટી પડયો હતો.

મૃતક પૃથ્વી સામાણી દ્વારકાના જાણીતા વેપારી આગેવાન હરિદાસભાઈ ગિરધરભાઈ સામાણીના પૌત્ર અને સ્વ.ઘનશ્યામભાઈ સામાણીના પુત્ર હતા. નાની ઉંમરે અચાનક આશાસ્પદ પુત્રના આમ વિદાય લેવાથી સામાણી પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. છેલ્લે કેટલાક સમયથી નાની ઉંમરના યુવાનો અને બાળકોમાં હૃદયરોગના હુમલાથી નિધન થવાનો જે ચિંતાજનક સિલસિલો શરૂ થયો છે, તેમાં વધુ એક નિર્દોષ કિશોરનો ભોગ લેવાતા લોકોમાં ભારે અરેરાટી અને ચિંતા જોવા મળી રહી છે.

ઘટના બાદ મૃતકની અંતિમયાત્રા બપોરે ૨:૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાન ભથાણ ચોક, પટેલ ઇલેક્ટ્રોનિક્સ વાળી ગલી, દ્વારકા ખાતેથી નીકળી હતી. આ અંતિમયાત્રામાં દ્વારકાના બહોળી સંખ્યામાં વેપારી આગેવાનો, લોહાણા સમાજના આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ તેમજ બહોળા પ્રમાણમાં નગરજનો જોડાયા હતા. ઉપસ્થિત સૌ કોઈએ અશ્રુભીની આંખે દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને આ અસહ્ય દુ:ખ સહન કરવાની શક્તિ આપવા ઈશ્વરને પ્રાર્થના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application