BREAKING NEWS

જામનગર: કાલાવડમાં વિડીયો સોશિયલ મિડીયામાં મુકવાની ધમકી દઇ ૫૦ હજારની માંગણી

  • November 05, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડમાં વિડીયો સોશિયલ મિડીયામાં મુકવાની ધમકી દઇ ૫૦ હજારની માંગણી

સેફરોન સ્કૂલના સંચાલક અને કોર્પોરેટર પાસેથી બળજબરીથી રૂપીયા કઢાવવાની કોશિષ : આઈ લવ કાલાવડ પેજના સંચાલક સામે પોલીસમાં ફરિયાદ

કાલાવડમાં જમીન દબાણના ખોટા આક્ષેપો વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ આઇડીમાં મુકવા બાબતે દાંટી મારી ૫૦ હજારની માંગણી કર્યાની ઇન્સ્ટા આઇડીવાળા સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. 

કાલાવડ તાલુકાના જાલણસર ગામે પોતાની પત્નીના નામે આવેલી જમીન પર સરકારી ખરાબાની જમીન પચાવી પાડવાના આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ નહીં કરવા માટે રૂ. ૫૦ હજારની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. 

આ મામલે કાલાવડની સેફરોન સ્કૂલના સંચાલક અને વોર્ડ નં. ૭ના કોર્પોરેટર રમેશભાઈ મોહનભાઈ દોંગાએ કાલાવડના વાલસી ગઢવી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગતો મુજબ, રમેશભાઈ દોંગાએ તા. ૨૭/૭/૨૦૨૬ના રોજ પોતાની પત્ની હીનાબેનના નામે જાલણસર ગામની સીમમાં રે.સ.નં. ૨૮૫ની કુલ ૧-૬૩-૩૦ હેક્ટર જમીન વેચાણથી ખરીદી હતી. દરમિયાન તા. ૨૯ ઓક્ટોબરના રોજ બપોરે તેમની સ્કૂલના ભાગીદાર વિવેકભાઈ ભંડેરીનો ફોન આવ્યો હતો. તેમણે આઈ લવ કાલાવડ પેજના સંચાલક દ્વારા જમીનનો વીડિયો અને ઓડિયો મોકલવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

આ વીડિયોમાં જમીન પર સરકારી ખરાબાની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે મહેસૂલ તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ વિવેકભાઈએ રમેશભાઈને જાણ કરી હતી કે પેજના સંચાલક વાલસી ગઢવીએ વીડિયો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ નહીં કરવા માટે રૂ. ૫૦ હજારની માંગણી કરી છે. આ અંગે વિવેકભાઈએ મોબાઇલમાં વાતચીતનું રેકોર્ડિંગ પણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, નાણાં નહીં આપતાં વાલસી ગઢવીએ પોતાના આઈ લવ કાલાવડ ૧ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર જમીન અંગેના આક્ષેપો કરતો વીડિયો મૂક્યો હતો. તેમાં ભાજપના આગેવાન અને કોર્પોરેટર દ્વારા કરોડોની સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આમ, વીડિયો પ્રસિદ્ધ નહીં કરવા માટે ૫૦ હજારની માંગણી કરી બળજબરીથી નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની તેમજ સોશિયલ મીડિયા પર ખોટા આક્ષેપો કરીને પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની રજૂઆત સાથે રમેશભાઈ દોંગાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. આ સાથે વિવેકભાઈ દ્વારા કરવામાં આવેલા બે ઓડિયો રેકોર્ડિંગ પેનડ્રાઇવમાં રજૂ કરવામાં આવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. રમેશભાઇ દોંગા દ્વારા કાલાવડ ટાઉન પોલીસમાં ગઇકાલે વાલશી ગઢવી વિરુઘ્ધ બીએનએસ કલમ ૩૦૮(૨), ૩૦૮(૬) મુજબ ફરીયાદ નોંધાવતા ટાઉન પીઆઇ પી.ટી. જયસ્વાલ તપાસ ચલાવી રહયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application