દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખની માંગ
વરસાદના અભાવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી
સરકાર તાત્કાલિક ધોરણે ઘાસચારાની વ્યવસ્થા કરે, મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઇને દ્વારકા જિલ્લામાં એક ચક્કર મારી જાય: ઈસુદાન ગઢવી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે જાણે મેઘરાજાએ રૂસણા લીધા હોય તેમ જિલ્લામાં ખૂબ જ નહિવત વરસાદ વરસ્યો છે અને દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. આ મહત્વના મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, સરકારની સાથે સાથે કુદરત પણ ખેડૂતોથી રૂઠ્યો છે.સરકારના નોર્મ્સ પ્રમાણે જો ૮ તારીખ સુધી યોગ્ય વરસાદ નહીં પડે તો દુષ્કાળ જાહેર કરવો જોઈએ.ગત વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામોમાં લગભગ બધા તળાવ ભરેલા હતા. પણ હાલ પાણી નથી. હું મુખ્યમંત્રીને અપીલ કરીશ કે એક વખત હેલિકોપ્ટર લઈને આ બાજુ ચક્કર મારવા આવો, અને જો તમારી પાસે સમય ન હોય તો તમે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. કારણ કે હાલ પાક વીમા યોજના બંધ છે. લોકો ખૂબ જ પરેશાન છે. ખેડૂતોનો ઉભો પાક ખરાબ થઈ રહ્યો છે. સરકારે ખેડૂતો માટે ઘાસચારાનો પણ બંદોબસ્ત કરવો જોઈએ.
ત્યાર બાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા ઈસુદાન ગઢવી ખેડૂતો સાથે ખેતરમાં ગયા હતા અને ત્યાં તેમણે પાકની હાલત જોઈને કહ્યું હતું કે અહીંયા બિયારણ જે છે, એ ઉગે એવી પરિસ્થિતિમાં નથી. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી કહેતા હશે કે એમના અધિકારીઓ સર્વે કરશે અને સેમ્પલ લેશે તો હું એમને આ સેમ્પલ લાઈવ બતાવી રહ્યો છું. ખેડૂતોને પોતાની ઉપજનો ભાવ પણ નથી મળતો અને હાલ ખેડૂતોનું વર્ષ બગડી રહ્યું છે, તો તેઓ બાળકોની ફી કઈ રીતે ભરશે? લગ્ન પ્રસંગ કે ઘરના દવાના ખર્ચા કઈ રીતે કાઢશે? પશુનો પણ ઘાસચારાનો ખર્ચો ખેડૂતો ઉપર છે, ખેડૂતો પર આ રીતે અનેક સમસ્યાઓ છે.
આથી દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, ઘાસચારાની વ્યવસ્થા કરવા અને ખેડૂતોના સંપૂર્ણ દેવુ માફ ન થાય તો ૫૦ ટકા દેવા માફ કરવાની માંગ કરાઈ આવી છે કરો. આ વિસ્તારમાંથી ઘાસચારાની વ્યવસ્થા થઈ જાય, પશુપાલકો માટે વ્યવસ્થા થઈ જાય, આવી તમામ વ્યવસ્થાઓ સરકારી ખેડૂતો માટે કરવી પડશે ત્યારે ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવશે. ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.