BREAKING NEWS

જામનગરમાં જર્જરીત ઇમારતોના ડીમોલીશન બાદ કાટમાળ ન ઉપડતા હાલાકી

  • July 23, 2026 05:20 PM 

જામનગરમાં જર્જરીત ઇમારતોના ડીમોલીશન બાદ કાટમાળ ન ઉપડતા હાલાકી

સમસ્યા: આવાગમનના માર્ગ સાંકડા બન્યા, કાટમાળના ઢગલા પરથી મોટા પથ્થરો પડું પડું હાલતમાં હોય અકસ્માતનું ઝંળુબતું જોખમ

ભારે વરસાદ થશે તો કાટમાળનું ધોવાણ થતાં ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની ભીતિ: ગોકળગતિએ કાટમાળ ખસેડવાની કામગીરીથી અનેક સવાલ

જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા જર્જરીત ઇમારતોના ડીમોલીશન બાદ કાટમાળ ન ઉપડતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમુક સ્થળે કાટમાળના કારણે માર્ગો સાંકડા બનત આવાગમનમા ભારે મુશ્કેલી પડી રહી છે. આટલું જ નહીં કાટમાળના ઢગલા પરથી મોટા પથ્થરો પડું પડું હાલતમાં હોય અકસ્માતનું જોખમ પણ ઝંળુબી રહ્યું છે. ભારે વરસાદ થશે તો કાટમાળનું ધોવાણ થતાં ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની ભીતિ પણ નકારી શકાતી નથી. આમ છતાં ગોકળગાયની ગતિએ કાટમાળ ખસેડવાની કામગીરીથી અનેક સવાલ ઉઠ્યા છે. 

જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત જર્જરીત ઇમારતનો સર્વે કરી સંબધિત આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં જર્જરીત ઇમારતોને સેઇફ સ્ટેજે લઇ જવા અન્યથા તે ભાગ પાડી દૂર કરવા જણાવામાં આવ્યું છે. આટલું જ નહીં મહાનગરપાલીકાએ જર્જરીત ઇમારતો તોડી પણ પાડી છે. જે ખૂબજ સારી અને આવકારદાયક કામગીરી છે. પરંતુ જર્જરીત ઇમારતોના ડીમોલીશન બાદ કાટમાળ ઉપાડવાના બદલે ઘણાં દીવસોથી તે સ્થળે પડી રહ્યો હોય લોકો આવાગમનમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં જૂના રેલ્વે સ્ટેશન પાસે જર્જરીત ગીતલોજની ઇમારત, ગ્રેઇનમાર્કેટમાં ત્રણ દરવાજા પાસે આવેલા કસ્ટમ હાઉસની જૂની ઇમારત તથા પંચેશ્ર્વર ટાવરથી હવાઇચોક તરફના માર્ગ પર ભંગારબજાર સામે એક જર્જરીત મકાન મનપાની એસ્ટેટ શાખાએ તોડી પાડયું છે. પરંતુ આ ત્રણેય સ્થળો તથા અન્ય વિસ્તારોમાં કે જયાં અગાઉ ડીમોલીશન કરાયું છે ત્યાં ઘણાં વિસ્તારોમાં કાટમાળ ઉપાડવાને બદલે ત્યાં જ પડયો હોવાની ફરિયાદો ઉઠી છે. 

અત્રે નોંધનીય છે કે, જૂના રેલ્વે સ્ટેશન પાસે ગીતાલોજની ઇમારતનું મનપાએ મશીનરીથી ડીમોલીશન કર્યું છે. પરંતુ કાટમાળ હજુ ઉપડયો નથી.આથી ગીતાલોજની બંને બાજુના માર્ગ કે જયાંથી ગેલેકસી ટોકીઝ તરફ જવાય છે તે સાંકડા બન્યા છે. કાટમાળના ઢગલા પર મોટા પથ્થરો પડયા હોય આ માર્ગ પરથી આવામગન કરતા રાહદારીઓ અને વાહનચાલકો પર અકસ્માતનો જોખમ ઝંળુબી રહ્યું છે. આ જ સ્થિતિ ગ્રેઇનમાર્કેટમાં ત્રણ દરવાજા પાસે આવેલી કસ્ટમ હાઉસની ઇમારત તોડી પાડયા બાદ જોવા મળી છે. આ ઇમારતની તદન પાસે વોર્ડ ઓફીસ અને ઇલેકટ્રીકના થાંભાલા છે. વળી, ઇમારતની પાસે બેડીગેઇટ તરફ જવાનો માર્ગ છે. આથી આ સ્થળે ૫ણ કાટમાળ ન ઉપડતા ઉપરોકત સમસ્યા પ્રર્વતી રહી છે. તદઉપરાંત પંચેશ્ર્વર ટાવરથી હવાઇચોક તરફના માર્ગ પર ભંગાર બજાર સામે મનપાએ જર્જરીત મકાન તોડી પાડયું હતું. ત્યાં પણ કાટમાળ છેલ્લા ઘણા દીવસોથી પડયો છે. આ મકાન  રોડ ટચ હોય કાટમાળના કારણે માર્ગ પર આવાગમન કરતા રાહદરીઓ અને વાહનચાલકો પર અકસ્માતનું જોખમ ઝંળુબી રહ્યું છે. મનપા નોટીસ સહીતની નિયમોનુસાર કાર્યવાહી કરી જર્જરીત ઇમારત તોડી પાડે ત્યારબાદ કાટમાળનો નિકાલ નિયમ મુજબ આસામીએ કરવાનો હોય છે. જો આસામી ન કરે તો મનપા ટેન્ડર બહાર પાડી કાટમાળનો નિકાલ કરે છે. ત્યારે ઉપરોકત સ્થળો પરથી કાટમાળનો નિકાલ યુઘ્ધના ધોરણે કરવો જરૂરી બન્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application