જામનગર આરટી જાડેજા એસ્ટેટમાં જર્જરીત ઇમારતોનું ડીમોલીશન મનપા દ્વારા હાથ ધરાયું છે. તાજેતરમાં બાલ્કની ધરાશાહી થતાં જીવલેણ અકસ્માત બાદ મહાનગરપાલીકાનું તંત્ર સફાળું જાગ્યું છે. આથી અનેક સવાલ ઉઠયા છે.
જામનગરમાં ક્રીકેટ બંગલા પાસે આવેલા આરટી જાડેજા એસ્ટેટમાં તાજેતરમાં એક મહીલા પોતાની બાલ્કનીમાં ઉભી હતી ત્યારે તેણીના મકાનની ઉપર આવેલા મકાનની જર્જરીત બાલ્કની અચાનક તૂટી હતી. આથી કાટમાળ મહીલાની માથે પડતા ગંભીર ઇજા થવાથી તેણીનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ બાદ મહાનગરપાલીકાનું તંત્ર સફાળું જાગ્યું હોય તેમ આજરોજ આરટી જાડેજા એસ્ટેટમાં જર્જરીત ઇમારતનું ડીમોલીશન એસ્ટેટ શાખાએ હાથ ધર્યું છે. જે અંતર્ગત બપોર સુધીમાં ૫ જર્જરીત બાલ્કની અને ૪ જેટલા છજા તોડી પાડવામાં આવ્યા હતાં. મોડી સાંજ સુધી કામગીરી ચાલુ રહેશે તેમ અધિકારીઓેએ જણાવ્યું હતું.
આથી હજુ વધુ જર્જરીત ઇમારત તોડી પાડવામાં આવશે, અત્રે નોંધનીય છે કે જર્જરીત ઇમારત ધરાશાયી થતાં અમુક કિસ્સાઓમાં જીવલેણ અકસ્માત થાય છે, ત્યારે મહાનગરપાલિકા દર વર્ષે ફક્ત આ ઇમારતોના આસામીઓને ઇમારત સલામત સ્ટેજે લઇ જવા નોટીસ ફટકારી સંતોષ માની લ્યે છે, ત્યારે આ અન્ય કોઇ જીવલેણ અકસ્માત થાય તે પૂર્વે આ સમસ્યાનું નિરાકરણ જરૂરી બન્યું છે.