જામનગરની ઓટોમોબાઇલ માર્કેટમાં ધનતેરસ-દિવાળી ટાંકણે તેજી
વર્ષના મુખ્ય તહેવારોમાં શહેરનાં કાર અને બાઇકસની ખરીદી પર ઓફરોનો ભરમાર
લોકોએ મોટી સંખ્યામાં વાહનોના કરાવ્યા એડવાન્સ બુકીંગ: તહેવારોમાં શુભ મુહૂર્તમાં ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરની ધૂમ ખરીદી થશે: ૬૫૦થી વધુ વાહનોની થશે ગ્રાન્ડ ડિલિવરી
પ્રકાશના મહાપર્વ દિવાળી અને ધનતેરસના શુભ દિવસોને વધાવવા માટે જામનગરનું ઓટોમોબાઇલ બજાર સંપૂર્ણપણે સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. શહેરના રાજકોટ-હાપા હાઇવે સહિત મુખ્ય માર્ગો પર આવેલા જાણીતા કાર અને ટુ-વ્હીલર શો-રૂમોમાં ગ્રાહકોની ભારે ભીડ અને પૂછપરછનો જોરદાર ધમધમાટ જોવા મળી રહ્યો છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, આ વર્ષે ધનતેરસ અને દિવાળીના બે દિવસ દરમિયાન જ જામનગરમાં આશરે ૧૬૦થી વધુ લક્ઝુરિયસ ફોર-વ્હીલર તથા ૫૦૦ જેટલા દ્વિચક્રી વાહનો મળી કુલ ૬૫૦થી વધુ નવા ચમચમાતા વાહનોની ડિલિવરી ગ્રાહકોને સોંપવાની તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. કાર સેગમેન્ટમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો નોંધાયો છે, તો બીજી તરફ ટુ-વ્હીલરમાં સસ્તા ઇ-સ્કૂટર ક્ષેત્રે ૫૦ થી ૬૦ ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. હાલ ૮૫ થી ૯૦ ટકા ગ્રાહકો લોન અને ફાઇનાન્સ સુવિધા પર વાહન વસાવી રહ્યા છે, જેને પહોંચી વળવા શો-રૂમો દ્વારા કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, ગોલ્ડ કોઈન, સ્ક્રેચ કાર્ડ, હોમ એપ્લાયન્સીસથી માંડીને ફ્રી સ્કૂટર અને ઝીરો ડાઉન પેમેન્ટ જેવી આકર્ષક ઓફર્સની વણઝાર ખુલ્લી મૂકવામાં આવી છે.
ફોર-વ્હીલર ક્ષેત્રે રાજકોટ હાઇવે પર ઇસ્કોન મંદિર પાસે આવેલ ધીર ટોયોટા શો-રૂમમાં ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા ૨૦ ટકાના ઉછાળા સાથે અહીં ૧૨૫થી વધુ કારનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. ગ્રાહકોમાં અર્બન ક્રૂઝર હાઇરાઇડર, ઇનોવા ક્રિસ્ટા, ઇનોવા હાઇક્રોસ, ફોર્ચ્યુનર તેમજ ટાઇઝર જેવા મોડેલ્સ હોટ ફેવરિટ બન્યા છે. ટોયોટા દ્વારા રૂ. ૫૦ હજારથી ૧.૮૩ લાખ સુધીનું ડિસ્કાઉન્ટ તથા રૂ. ૪૦ હજાર સુધીનું એક્સચેન્જ બોનસ અપાઈ રહ્યું છે. સૌથી મોટું આકર્ષણ હાઇરાઇડર કાર પર મુકાયું છે, જેમાં રૂ. ૫૦ હજારની છૂટ સાથે હીરો ડેસ્ટીની સ્કૂટર તદ્દન ફ્રી આપવામાં આવી રહ્યું છે. મેનેજર જય રાવલના જણાવ્યા મુજબ ગુજરાતીઓ માટે આ મહિનો વિશેષ હોય, ટોયોટા ફાઇનાન્સ દ્વારા ઓછા વ્યાજ દરે ઇન્સ્ટન્ટ લોનની સગવડ સાથે ગ્રાહકો ધનતેરસ અને દિવાળીએ ડિલિવરી મેળવવા ઉત્સાહિત છે.
આ સાથે હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે આવેલ અતુલ મહિન્દ્રા શો-રૂમમાં પણ ૧૫ થી ૨૦ ટકાના વધારા સાથે ૩૦ થી ૪૦ વાહનોનું એડવાન્સ બુકિંગ નોંધાયું છે. ગ્રાહકો સ્કોર્પિયો-એન, એક્સયુવી ૩ એક્સઓ, બોલેરો, બોલેરો નિયો અને સ્કોર્પિયો ક્લાસિક જેવા પાવરફુલ મોડેલ્સ પસંદ કરી રહ્યા છે. મહિન્દ્રા દ્વારા દિવાળી નિમિત્તે નવી લોન્ચ થયેલી એક્સયુવી ૩૦૦માં પેટ્રોલ-ડીઝલ સાથે સીએનજી વેરિયન્ટ પણ રજૂ કરાયો છે, જેમાં રૂ. ૩૦ થી ૫૦ હજારનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. આ ઉપરાંત બીઇ-૬ અને એકસઇવી ૯ઇ જેવા ઇવી મોડેલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં માત્ર રૂ. ૫૦ હજાર ભરીને અથવા ઝીરો ડાઉન પેમેન્ટ સાથે ૧૦૦ ટકા ફાઇનાન્સ કરાવી તાત્કાલિક ડિલિવરી મેળવવાની સુવિધા ગ્રાહકોને ખૂબ આકર્ષી રહી છે.
રાજકોટ હાઇવે પર પુણેશ્વર મહાદેવ મંદિર સામે સ્થિત લુકર્સ સિટ્રોન ખાતે સંચાલક પરબતભાઈ પીંડારીયાના માર્ગદર્શન હેઠળ ૫ થી ૬ વાહનો બુક થઈ ચૂક્યા છે અને તહેવારના દિવસોમાં ૧૦ ગાડીઓની ઓન-ધ-સ્પોટ ડિલિવરી કરાશે. સિટ્રોન દ્વારા રૂ. ૧.૫૮ લાખ સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ તથા ગ્રાહકો પર માસિક હપ્તાનો બોજ ન પડે તે માટે ૮ વર્ષ સુધીની સરળ લોન ઓફર કરવામાં આવી રહી છે.
ટુ-વ્હીલર માર્કેટમાં નજર કરીએ તો ઇલેક્ટ્રિક વાહનો તરફ ગ્રાહકોનો ઝુકાવ અભૂતપૂર્વ રીતે વધ્યો છે. જામનગરમાં હાલાર હાઉસ સ્વામિનારાયણ નગરના ઢાળિયા પાસે તેમજ ખોડિયાર કોલોની મેર સમાજ પાસે કાર્યરત યુનાઇટેડ ઈ-સ્કૂટર શો-રૂમમાં ૧૫૦ જેટલી ગાડીઓની ડિલિવરીના લક્ષ્યાંક સામે ૭૦થી વધુ એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યા છે. ગત વર્ષ કરતાં અહીં ખરીદીમાં ૫૦ થી ૬૦ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. પેટ્રોલના ઊંચા ભાવ સામે લોકો સસ્તા, ટકાઉ અને નોન-આરટીઓ સ્કૂટર પસંદ કરી રહ્યા છે, જેમાં ઓરેવા કંપનીનું ૧૭ વર્ષથી વિશ્વાસપાત્ર એલિસ મોડેલ માત્ર રૂ. ૪૫ હજારમાં તથા મહિલાઓ, બાળકો અને વડીલો માટે આદિદેવ સ્કૂટર માત્ર રૂ. ૩૯ હજારમાં ઉપલબ્ધ બનતા તેની ભારે માંગ છે. વેપાર-ઉદ્યોગ માટે ૩૦૦ કિલો વજન વહન કરી શકતું ૧૦૦ કિમી રેન્જવાળું લોડર સ્કૂટર પણ આકર્ષક બન્યું છે. યુનાઇટેડ દ્વારા ૧ વર્ષની ફૂલ વોરંટી, રૂ. ૨ થી ૫ હજારનું ડિસ્કાઉન્ટ, દિવાળી ડિલિવરી પર બોશ કંપનીનું મિક્સર ગ્રાઇન્ડર ફ્રી તથા બજાજ અને આઈડીએફસી મારફત ઝીરો ડાઉન પેમેન્ટ લોન જેવી સુવિધાઓ અપાઈ રહી છે.
જામનગરમાં ખોડિયાર કોલોની અને પટેલ કોલોની શેરી નં. ૯ ખાતે આવેલ ઓમ ટીવીએસ શો-રૂમમાં તહેવારો માટે ૨૫૦થી વધુ વાહનોનું એડવાન્સ બુકિંગ નોંધાયું છે. પેટ્રોલ સેગમેન્ટમાં જ્યુપિટર ૧૧૩ સીસીની ભારે ડિમાન્ડ છે, જ્યારે ઇલેક્ટ્રિકમાં ’આઇક્યુબ’ મોડેલ ગ્રાહકોની પ્રથમ પસંદ બનતા તેના પર ૧ મહિના જેટલું વેટિંગ જોવા મળી રહ્યું છે. ઓમ ટીવીએસ દ્વારા ફ્લિપકાર્ટ ઓફર હેઠળ રૂ. ૭ થી ૮ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, રૂ. ૨ હજાર કેશ ડિસ્કાઉન્ટ, વીઆઈપી કંપનીની બેગ, લેપટોપ બેગ તેમજ વાહનની એક્સેસરીઝ જેવી ભેટો આપવામાં આવી રહી છે. આ ઉપરાંત માત્ર રૂ. ૫ થી ૬ હજારના નજીવા ડાઉન પેમેન્ટ અને ૭.૯૯ ટકાના રાહત દરે લોન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
આ સાથે જામનગરમાં ૩૫ વર્ષથી અગ્રણી સ્થાન ધરાવતી અને વિશ્વની નંબર વન મેન્યુફેક્ચરિંગ કંપની હીરો મોટોકોર્પની ડીલરશીપ ધરાવતા ગોકુલ હીરોના હાપા, પવનચક્કી અને સમર્પણ સર્કલ સ્થિત ત્રણેય શો-રૂમમાં પણ ઉત્સાહનો માહોલ છે. ગોકુલ હીરો ખાતે ૬૦ થી ૭૦ જેટલા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યા છે.
સામાન્ય અને મધ્યમ વર્ગ માટે એવરગ્રીન ગણાતી એચએફ ડીલક્સ બાઇક સૌથી વધુ વેચાઈ રહી છે, જ્યારે સ્કૂટર સેગમેન્ટમાં ડેસ્ટીની ૧૧૦, ૧૨૫ અને પ્લેઝરની સારી માંગ છે. ગોકુલ હીરો દ્વારા ગ્રાહકો માટે રૂ. ૩ થી ૧૨ હજાર સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, માત્ર રૂ. ૫,૯૯૯ ભરીને સરળ લોન પર વાહન તથા સ્ક્રેચ કાર્ડ ઓફર હેઠળ બાઇક અને સોના-ચાંદીના સિક્કા સહિતના આકર્ષક ઇનામોની સ્કીમ મુકાઈ છે. આમ, કાર અને બાઇક બજારમાં મળેલી આ તેજીથી જામનગરનું સમગ્ર ઓટોમોબાઇલ ક્ષેત્ર દિવાળી પર્વે સોનાના મુહૂર્તમાં ઝળહળી ઊઠ્યું છે.