જામનગર: જર્જરીત બે માળનું મકાન, દુકાનનો જોખમી ભાગ તોડી પડાયો
કે.વી.રોડ અને પટણીવાડ વિસ્તારમાં મહાનગરપાલીકાની એસ્ટેટ શાખાની કાર્યવાહી
ભયજનક ઇમારતોના માલીક,વપરાશકર્તાઓને નોટીસ બાદ ડીમોલીશનની કામગીરી
જામનગરમાં ટ્રાફીકથી ધમધમતા કે.વી.રોડ પર આવેલી જર્જરીત દુકાનનો અમુક ભાગ અને પટણીવાડ વિસ્તારમાં આવેલું બે માળનું મકાન મહાનગરપાલીકાની એસ્ટેટ શાખાએ તોડી પાડયું હતું. ભયજનક ઇમારતોના માલીક,વપરાશકર્તાઓને નોટીસ બાદ ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પૂર્વે મહાનગરપાલીકા દ્વારા શહેરમાં ભયજનક ઇમારતોનો સર્વે કરી માલીકો અને વપરાશકર્તાઓને નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાં આ જર્જરીત ઇમારતોનો ભાગ દૂર કરી સેઇફ સ્ટેજે લઇ જવા તાકીદ કરવામાં આવી છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં માલીક અને વપરાશકર્તાઓ દ્વારા જર્જરીત ઇમારતોના સમારકામની દરકાર કરવામાં આવતી નથી. બીજી બાજુ મહાનગરપાલીકા દ્વારા પણ જર્જરીત ઇમારતોના ડીમોલીશનમાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. જેના કારણે ગંભીર દુઘર્ટનાના કિસ્સા બની ચૂકયા છે. ચાલુ વર્ષે જર્જરીત ઇમારતો દૂર કરવા મહાનગરપાલીકાએ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત આજરોજ ટ્રાફીકથી ધમધમતા કે.વી.રોડ પર જર્જરીત દુકાનનો જોખમી ભાગ એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. માર્ગ પર વાહનવ્યવહાર બંધ કરી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માર્ગ પર વાહનોની સતત અવરજવર રહેતી હોય કોઇ દુર્ઘટનાના ન થાય તે માટે જર્જરીત દુકાનનો જોખમી ભાગ તોડી પડાયો હતો.
તદઉપરાંત શહેરના પટણીવાડ વિસ્તારમાં આવેલા ગુજરાતી સમાજ પાછળ આવેલું ૮૦૦ ફુટથી વધુનું બે માળનું જર્જરીત મકાન પણ મનપાની એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. હજુ ચોમાસાને બે મહીના બાકી હોય ભારે વરસાદના કારણે જર્જરીત ઇમારતો જમીનદોસ્ત ન થાય આથી જનસલામતીના ભાગરૂપે જર્જરીત ઇમારતો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.