BREAKING NEWS

જામનગર: કલેકટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

  • August 20, 2026 05:24 PM 

જામનગર: કલેકટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા પ્રશ્નો ધ્યાને લઈ પરિણામલક્ષી અને હકારાત્મક દિશામાં કાર્યવાહી કરવા કલેકટરનું અધિકારીઓને સૂચન

જામનગર તા.૨૦ ઓગસ્ટ, જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જામનગર જિલ્લાની વિવિધ વિકાસલક્ષી રજુઆતો તેમજ ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે સવિસ્તર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને રજૂઆતોની તેમજ પડતર પ્રશ્નો અંગે વિભાગવાર સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નોની વર્તમાન સ્થિતિ, કરવામાં આવેલી કાર્યવાહી તથા બાકી રહેલા કામ અંગે જરૂરી વિગતો મેળવી ચર્ચા કરવામાં આવી હતી. 

બેઠકમાં મુખ્યત્વે પાણીના સંપ, ટાંકા, ચેકડેમ તથા સિંચાઈ સંબંધિત કામોને મંજૂરી, જમીન સંપાદન અને જમીન પરત-વળતર, જમીન માપણી તથા સર્વે રેકર્ડમાં સુધારા, ગોચર જમીનની માપણી, અનુસૂચિત જાતિ સમાજ માટે જમીન ફાળવણી, પાક વીમાની ચૂકવણી, વીજપોલ/વીજલાઈનના પ્રશ્નો, નવા રસ્તાના કામમાં આવતી અડચણો દૂર કરવા, આધારકાર્ડની કામગીરી, ગામતળ પરથી દબાણ દૂર કરવા, ગામની જમીન ફાળવણીમાં ફેરફાર, એસ.ટી.બસના રૂટ ફાળવવા, બીએસએનએલ નેટવર્કને લગત પ્રશ્ન, ઘાસ વિતરણ વ્યવસ્થા અંગેના પ્રશ્નો ઉપરાંત પીજીવીસીએલ, વન વિભાગ, શિક્ષણ વિભાગ, પીવાના શુદ્ધ પાણીની વિતરણ વ્યવસ્થા, આઈસીડીએસ વિભાગ, આરોગ્ય વિભાગ, રસ્તા, પાણી, વીજળી, સિંચાઈ, જાહેર સુવિધાઓ, નાગરિક સેવાઓ સહિતના પ્રશ્નો અંગે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. 

જે પ્રશ્નોમાં આંતરવિભાગીય સંકલનની જરૂરિયાત હોય તેમાં સંબંધિત વિભાગો પરસ્પર સંકલન સાધીને કાર્યવાહી કરે અને કામગીરીની પ્રગતિ અંગે સમયાંતરે સમીક્ષા કરવામાં આવે તે માટે પણ જિલ્લા કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરએ ધારાસભ્યો દ્વારા પ્રજાના હિતને લગતા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને પ્રાથમિકતા આપી, તેમનું સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. પડતર પ્રશ્નોનો શક્ય તેટલો વહેલો નિકાલ થાય તેમજ પ્રજાલક્ષી રજૂઆતો અંગે હકારાત્મક અભિગમ સાથે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે માટે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

જન પ્રતીનીધીઓ તથા પ્રજાજનો દ્વારા રજૂ થતા પ્રશ્નો માત્ર કાગળ પરની કાર્યવાહી પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને લઈ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવે. વિકાસલક્ષી કામો અને જનહિતની રજૂઆતોમાં જરૂરી સંકલન જાળવીને પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે દિશામાં તમામ વિભાગોએ સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા કલેકટરએ લગત અધિકારીઓને સૂચનો આપ્યા હતા.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેકટર વિમલ ચૌધરી, વિવિધ વિભાગના અધિકારીઓ, સંકલન સમિતિના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application