જામનગર: જી.જી.માંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવાના પ્રકરણમાં તબીબનો ખુલાસો ગ્રાહ્ય : ડો. વિજય પોપટ
પીએમજેએવાય વિભાગના અધિકારીઓની રજૂઆતના પગલે કરાર અધારિત તબીબને નોટીસ ફટકારાઇ તી
તબીબનો કોઇ રોલ ન હોવાનું જણાતા ખુલાસો માન્ય રાખવામાં આવ્યો છે: ઇન્ચાર્જ તબીબી અધિક્ષક
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવતા હોવાની રજૂઆત પીએમજેએવાય વિભાગના અધિકારીઓએ ઇન્ચાર્જ તબીબી અધિક્ષકને કરી હતી. આ રજૂઆતના પગલે સંબંધિત કરાર અધારિત તબીબને નોટીસ ફટકારી ખુલાસો પૂછવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં તબીબનો કોઇ રોલ ન હોવાનું જણાતા કરાર આધારીત તબીબે રજૂ કરેલો ખુલાસો માન્ય રાખવામાં આવ્યાનું ઇન્ચાર્જ તબીબી અધિક્ષકે જણાવ્યું છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ઓર્થોપેડીક વિભાગ યુનીટ-૧માં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કરાર આધારીત ડો. મોહીત પાબારી આ વિભાગમાં સારવાર માટે આવેલા ચારેક દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) હેઠળ અનબ્લોક કરાવી ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે મોકલતા હોવાની ચોંકાવનારી રજૂઆત જી.જી.હોસ્પિટલમાં કાર્યરત પીએમજેએવાય વિભાગના અધિકારીઓએ ઇન્ચાર્જ તબીબી અધિક્ષકને કરી હતી. આથી આ મુદો હોસ્પિટલના અન્ય તબીબો અને કર્મચારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
પીએમજેએવાય વિભાગના અધિકારીઓની રજૂઆતના પગલે જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.વિજય પોપટે ઓર્થોપેડીક વિભાગ યુનીટ-૧માં ફરજ બજાવતા કરાર આધારીત ડો.મોહીત પાબારીને શો-કોઝ નોટીસ ફટકારી બે દીવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો. આથી ડો.મોહીત પાબારીએ ખુલાસા સાથે જવાબ ઇન્ચાર્જ તબીબી અધિક્ષકને રજૂ કર્યો હતો. જેમાં ઓર્થોપેડીક વિભાગમાંથી દર્દીઓ સ્વયં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે ગયા હોય પોતાનો કોઇ રોલ ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે સરકારી જી.જી.હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને મોકલવાની પીએમજેએવાય વિભાગના અધિકારીઓની રજૂઆતના પગલે નોટીસ અંગે ડો.મોહીત પાબારીએ રજૂ કરેલા ખુલાસા અંગે ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.વિજય પોપટે જણાવ્યુું હતું કે, તબીબે રજૂ કરેલો ખુલાસા અને તપાસના અંતે આ પ્રકરણમાં તબીબનો કોઇ રોલ ન જણાંતા ખુલાસો ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે. પીએમજેએવાય વિભાગના અધિકારીઓની રજૂઆત અને તબીબ પાસેથી માંગવામાં આવેલો ખુલાસો આ એક રૂટીન પ્રક્રીયા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.