BREAKING NEWS

ખંભાળીયા​​​​​​​ : હાલારમાં દુષ્કાળના ડાકલા: કલ્યાણપુરમાં માલધારીઓની હીજરત શરૂ

  • October 24, 2026 12:54 PM 


ખંભાળીયા​​​​​​​ : હાલારમાં દુષ્કાળના ડાકલા: કલ્યાણપુરમાં માલધારીઓની હીજરત શરૂ 




જામનગર-દ્વારકા એટલે કે હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ થયો છે, હાલારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ થઇ રહી છે, એવા સંજોગો વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ એવો સનસનાટીજનક આક્ષેપ લગાવ્યો છે કે ઘાસચારા, અનાજ-પાણીના અભાવના કારણે કલ્યાણપુરમાંથી માલધારીઓના સંખ્યાબંધ પરિવારજનોએ હીજરત કરી લીધી છે. 



આ બાબત જો સાચી હોય તો ખૂબ જ ગંભીર છે અને દુષ્કાળની લપેટમાં હાલાર આવી ચૂક્યો હોવાના જીવતા પુરાવા સમાન પણ છે અને ખાસ કરીને આગામી ઉનાળામાં કેવી કપરી પરિસ્થિતિ થશે, તેનો પણ ભયાવહ સંકેત આપે છે. 

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે છેલ્લા દોઢ-બે મહિનાથી રાજ્યના ખેડૂતો અને માલધારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં સરકાર દ્વારા રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવી રહ્યું નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાંથી માલધારીઓ અને ખેડૂતો પોતાના પશુઓ સાથે ઘર છોડીને હિજરત કરવા મજબૂર બન્યા છે, કારણ કે ઘરમાં ખાવા માટે અનાજ નથી અને પશુઓ માટે ઘાસચારો કે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી.



ઇસુદાન ગઢવીએ સરકારના વલણ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર પોતાના રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી શકતી હોય તો ગુજરાત સરકાર આ નિર્ણય લેવામાં કેમ પાછળ પડી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ખેડૂતો સરકાર પાસે કોઈ વિશેષ મિલકત કે મોંઘી ગાડીઓની માંગણી નથી કરી રહ્યા, પરંતુ પ્રજાના પોતાના ટેક્સના નાણાંમાંથી પાક નુકસાની, બિયારણના નુકસાન, ઘાસચારા અને સિંચાઈ માટે રાહત સહાયની યોગ્ય રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવાની માંગ કરી રહ્યા છે.




આ ઉપરાંત, તેમણે સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે એક તરફ ઉદ્યોગપતિઓને પ્રતીક ભાવે જમીનો આપી દેવામાં આવે છે, જ્યારે બીજી તરફ સંકટ સમયે ખેડૂતોને સહાય આપતી વખતે સરકાર માત્ર આશ્ર્વાસનો આપે છે. તેમણે ઉમેર્યું હતું કે વિપક્ષને કોઈ ક્રેડિટ જોઈતી નથી, બધી ક્રેડિટ સરકાર લઈ લે પરંતુ ત્વરિત ધોરણે મદદ પહોંચાડે. અંતમાં તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે જો સરકાર ખેડૂતો અને પશુપાલકોને ન્યાય ન આપી શકતી હોય તો તેને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી અને તુરંત રાજીનામું આપી દેવું જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application