BREAKING NEWS

જામનગર: રંગમતીમાં વરસાદી પાણીને અવરોધરૂપ ૮૦ ફૂટ લાંબો માટીનો પાળો દૂર કરાયો

  • July 04, 2026 01:35 PM 

જામનગર: રંગમતીમાં વરસાદી પાણીને અવરોધરૂપ ૮૦ ફૂટ લાંબો માટીનો પાળો દૂર કરાયો

૫ગલાં: જામ્યુકોના કમિશ્ર્નરે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ સોલીડવેસ્ટ વિભાગ દ્વારા કામગીરી, બીજો પાળો પણ દૂર કરવામાં આવશે

મહારાજા સોસાયટીથી વ્હોરાના હજીરા તથા તારમામદ સોસાયટીથી આગળ સુધી નદીના વ્હેણમાં નડતરરૂ​​​​​​​પ બાવળ અને ઝાડી-ઝાંખરા કાઢી સફાઇ 

જામનગરમાં રંગમતી નદીમાં વરસાદી પાણીને અવરોધરૂ​​​​​​​પ ૮૦ ફુટ લાંબો માટીનો ૫ાળો મનપા દ્વારા દૂર કરવામાં આવ્યો છે. તદઉપરાંત મહારાજા સોસાયટીથી વ્હોરાના હજીરા તથા તારમામદ સોસાયટીથી આગળ સુધી નદીના વ્હેણમાં નડતરરૂપ બાવળ અને ઝાડી-ઝાંખરા કાઢી સફાઇ કરવામાં આવી હોવાનો દાવો મનપા દ્વારા કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે,જામનગરના કમિશ્ર્નરે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ સોલીડવેસ્ટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આટલું જ નહીં બીજો પાળો પણ દૂર કરવામાં આવશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલીકા દ્રારા ચોમાસા પૂર્વે મસમોટા ખર્ચે શહેરમાં કેનાલો અને રંગમતી નદીમાં પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત સફાઇ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આ કામગીરીમાં લોમંલોલની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે. કારણ કે, શહેરમાં પોણા ઇંચ વરસાદમાં શહેરમાં દર વર્ષે જે વિસ્તારોમાં પાણી ભરાય છે ત્યાં પાણી ભરાયા હતાં. આથી મનપાની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠ્યા હતાં. ખાસ કરીને રંગમતી નદીમાં ગંકદી, ઝાડી-ઝાંખરાને કારણે વરસાદી પાણી અવરોધાતા શહેરના ઘણાં નીચાળવાળા વિસ્તારોમાં  ચોમાસામાં વરસાદમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

લોકફરિયાદો બાદ જામનગર મહાનગરપાલીકાના કમિશ્ર્નનર દીપેશ કેડીયાએ ડીએમસી દેવેન્દ્વસિંહ ઝાલા, આસીસ્ટન્ટ કમિશ્ર્નર (વહીવટ) મુકેશ વરણવા અને સીટી ઇજનેર ભાવેશ જાની સાથે રંગમતી નદીના વ્હેણના જુદા-જુદા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આટલું જ નહીં સ્થળ નિરીક્ષણ બાદ નદીના વ્હેણમાં અવરોધરૂપ જંગલી વૃક્ષ, બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરાવા સૂચના આપી હતી. 

આથી મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા રંગમતી નદીની સફાઇ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત મહારાજા સોસાયટીથી વ્હોરાના હજીરા તથા તારમામદ સોસાયટીથી આગળ સુધી નદીમાં વરસાદી પાણીને અવરોધરૂપ બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરાયા હતાં. આટલું જ નહીં આ કામગીરી દરમ્યાન નદીમાં ૮૦ ફુટ લાંબો માટીનો પાળો મળી આવ્યો હતો. આથી તે મશીનરી દ્વારા દૂર કરાયો હતો. આ પ્રકારનો બીજો પાળો પણ હજુ નદીમાં છે. જે સંભવત: આજે અથવા તો કાલે મશીનરી દ્વારા દૂર કરવામાં આવશે. રંગમતી નદીમાંથી બાવળ અને ઝાડી ઝાંખરા તથા માટીના પાળા દૂર કરવાની કામગીરી સોલીડ વેસ્ટ વિભાગના રાજભા જાડેજા તથા અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. રંગમતી નદીમાં વરસાદી પાણીને અવરોધરૂપ માટીનો પાળો તથા બાવળ અને ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા છે ત્યારે વરસાદ આવ્યા બાદ નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાશે કે કેમ તે જોવાનું રહ્યું.

રંગમતી નદીના પટમાં મકાઇનું વાવેતર કર્યાનું ખૂલ્યું હતું:
જામનગર મહાનગરપાલીકા દ્વારા રંગમતી નદી પર રીવરફ્રન્ટ બનાવવાની યોજના છે. જે અંતર્ગત ગત વર્ષે મનપા દ્વારા રીવરફ્રન્ટ માટે સર્વે તથા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન રંગમતી નદીના પટમાં ચોકકસ સ્થળે અમુક શખ્સો દ્વારા મકાઇનું વાવેતર કરવામાં આવ્યાનું ખૂલતા મનપાના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application