BREAKING NEWS

જામનગર: ગ્રીન સીટીમાં ઢોરના અનહદ ત્રાસથી રહેવાસીઓ ત્રાહીમામ: રાત્રે બને છે રીતસર ઢોરવાડો

  • August 06, 2026 02:01 PM 

જામનગર: ગ્રીન સીટીમાં ઢોરના અનહદ ત્રાસથી રહેવાસીઓ ત્રાહીમામ: રાત્રે બને છે રીતસર ઢોરવાડો

એક તરફ રખડતા કૂતરાઓના ત્રાસ અને સાથે સાથે ઢોરના જામતા અડિંગા રાહદારીઓ અને વાહન ચાલકો માટે બને  છે પડકારજનક: મહાપાલિકાને લોકોને અપીલ

જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ અને કૂતરાઓના ત્રાસની વાત ખુબ જૂની અને જાણીતી થઇ ગઇ છે. લગભગ કોઇ વિસ્તાર બાકી નથી કે જયાં આ ત્રાસ ન હોય, લોકો સંબંધિત તંત્રને ફરીયાદ કરતા હોવા છતાં પણ કોઇ નિવેડો નહીં આવતા નાછૂટકે પોતાનો અવાજ બુલંદ કરવા રહેવાસીઓને મીડીયા સમક્ષ આવવાની ફરજ પડે છે. જેથી એમના ત્રાસને ઓછો કરી શકાય, આવી જ એક વધુ ઘટના સામે આવી છે જેમાં ગ્રીન સીટી વિસ્તારના લોકોએ પોતાના પર થઇ રહેલા ઢોર અને કૂતરાના અનહદ ત્રાસથી મીડીયાને વાકેફ કરીને પોતાનો અવાજ બુલંદ બનાવવા અરજ કરી છે. આ બાબત તંત્ર માટે ખુબ જ ગંભીર છે, લોકો જાણે છે કે ઢોરને કે કૂતરાને વિસ્તારમાંથી દુર કરવાની સત્તા તંત્ર પાસે છે, મીડીયા પાસે નથી, પરંતુ તંત્રમાં કોઇ સાંભળતુ નહિ હોવાના કારણે એમને અખબારોનો સહારો લેવો પડે છે.

રણજીતસાગર રોડ, ગ્રીન સીટી વિસ્તારના રહેવાસીઓ પોતાની વ્યથા-કથા આજકાલ સમક્ષ કરી છે, સાથે સાથે આ અહેવાલમાં અપાયેલ તસ્વીરો પણ રહેવાસીઓએ મોકલી છે, અને એવી વાત કરી છે કે ઘણા સમયથી ગ્રીન સીટી વિસ્તારમાં ઢોરનો ત્રાસ ખુબ જ વધી ગયો છે, વાહન લઇને નીકળવું પડકારજનક બની ગયું છે. 

રાત્રીના ૧૧.૩૦ વાગ્યા બાદ તો ગ્રીન સીટી વિસ્તારના સર્કલ રીતસરના ઢોરવાડા જેવા બની જાય છે. અને એટલી મોટી સંખ્યામાં અહીં ઢોર આવી જાય છે કે લોકોને પોતાના વાહન લઇને કયાંથી નીકળવુ એ સમજાતુ નથી.
કૂતરાના ત્રાસમાંથી આ વિસ્તારના લોકોને કયારેય મુકિત મળી શકી નથી, રાત્રીના ૧૧ વાગ્યા બાદ દ્વીચક્રી વાહન લઇને નીકળવું મોટુ રીસ્ક ગણાય છે કારણકે એક બે નહિ કૂતરાના રીતસરના ધણ વાહનચાલકોની પાછળ દોડે છે. નાના મોટા અકસ્માત સર્જાય છે, કયારેક આ અકસ્માત જીવલેણ બનવાની પણ પૂરી ભીતી છે. 

રહેવાસીઓએ એવી પણ હૈયાવરાળ ઠાલવી છે કે આ વિસ્તારના નગરસેવકો ઢોરના અડીંગા અને કૂતરાના ત્રાસથી ખુબ સારી રીતે વાકેફ છે પરંતુ અફસોસ ખોબલે ખોબલે મત મેળવીને કોર્પોરેટર બનેલા આ પ્રતિનિધિઓ પ્રજાની પાયાની સમસ્યાથી મોઢુ ફેરવીને બેઠા છે, લોકોએ એવી પણ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો ઢોર અને કૂતરાઓના ત્રાસમાંથી મુકિત અપાવવા માટે કોઇ નક્કર પગલા લેવામાં નહિ આવે તો નાછુટકે આ વિસ્તારના રહેવાસીઓને આંદોલનકારી પગલા લેવા પડશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application