BREAKING NEWS

ટાટા કેમીકલ્સના પ્રદૂષણથી પર્યાવરણને નુકસાન, નીરી એસેસમેન્ટ કરી રિપોર્ટ આપશે

  • July 23, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટાટા કેમીકલ્સના પ્રદૂષણથી પર્યાવરણને નુકસાન, નીરી એસેસમેન્ટ કરી રિપોર્ટ આપશે 

મરીન સેન્ચ્યુરીનો કચ્ચરઘાણ નીકળતા કેમીકલ કચરાના નિકાલ બંધ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો તો

પર્યાવરણીય પુન: સ્થાપન, રીકરીંગ વળતર સહીતના મહત્વના મુદા પર ત્રણેક મહીનામાં અહેવાલ સોપશે 

મીઠાપુરમાં ટાટા કેમીકલ્સ દ્વારા દરિયામાં કેમીકલયુકત કચરા અને પાણીનો નિકાલ કરી પ્રદૂષણ ફેલવવાના કેસની સુનાવણીમાં નેશનલ એન્વારયમેન્ટલ એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ એટલે કે નીરી સંસ્થા એસેસમેન્ટ કરી રિપોર્ટ આપશે તેમ સરકારે જણાવ્યું હતું. મરીન સેન્ચ્યુરીનો કચ્ચરઘાણ નીકળતા કંપનીને કેમીકલ કચરાનો નિકાલ બંધ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો હતો. સંસ્થા પર્યાવરણીય પુન: સ્થાપન, રીકરીંગ વળતર સહીતના મહત્વના મુદા પર ત્રણેક મહીનામાં અહેવાલ સોપશે.

મીઠાપુરના ટાટા કેમીકલ્સ કં૫ની દ્વારા કેમીકલયુકત કચરો અને પાણીનો દરિયામાં નીકાલ કરવામાં આવતા આ મુદે ચાલી રહેલા કાનૂની જંગમાં હાઇકોર્ટે કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણથી જામનગર મરીન સેન્ચ્યુરીનો કચ્ચરઘાણ નીકળી રહ્યાનું ટાંકી તાકીદે કચરાનો નિકાલ બંધ કરવા હુકમ કર્યો હતો. આ કેસની ગઇકાલે થયેલી વધુ સુનાવણીમાં સરકારે હાઇકોર્ટને માહીતગાર કરતા જણાવ્યું હતું કે, નેશનલ એન્વાર્યમેન્ટલ એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ(નીરી) દ્વારા પર્યાવરણ અને વળતર બાબતે એસેસમેન્ટ કરવામાં આવશે.

પાંચ દીવસ પહેલા નીરીને પર્યાવરણીય એસેસમેન્ટ અંગનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેના અનુસંધાને નીરી પર્યાવરણીય નુકસાન, વળતર, પુન:સ્થાપન, રીકરીંગ વળતર સહીતના મુદાઓ પર એસેસમેન્ટ કરી ત્રણેક મહીનામાં રિપોર્ટ આપશે. સરકાર તરફે રજૂઆત સાંભળ્યા બાદ ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ ડી.એન.રે ની ખંડપીઠે આ કેસમાં પ્રગતિ અહેવાલ અને નીરીનો રિપોર્ટ રજૂ કરવા જણાવી કેસની વધુ સુનાવણી ૩ મહીના બાદ મુકરર કરી છે. જયારે જીપીસીબીએ જવાબ રજૂ કરી જણાવ્યું હતું કે, જીપીસીબી દ્વારા ૩ વખત બંધ કરાયેલી કચરાના નિકાલની ચેનલોનું ઇન્સપેકશન કરવામાં આવ્યું છે. હવે ટાટા કેમીકલ્સ દ્વારા જૂની અને ખુલ્લી ચેનલોનો ઉપયોગ કરવામાં આવતો નથી. મરીન સેન્ચ્યુરીમાં ટાટા કેમીકલ્સ દ્વારા ઠાલવવામાં આવતા કેમીકલ કચરા સામે હાઇકોર્ટે લાલ આંખ કરી પર્યાવરણીય નુકસાન અટકાવવા માટે કં૫નીના પ્લાન્ટ બંધ કરવા સહીત કડક પગલાં લેવા હુકમ કર્યો હતો. ખુલ્લી ચેનલો મારફત કંપનીએ કચરાનો નિકાલ બંધ કર્યાનું સોંગદનામું જીપીસીબીએ રજૂ કર્યું હતું.હાઇકોર્ટ આ પ્રકરણની ગંભીરતા ઘ્યાને લઇ આ વિસ્તારમાં સ્થાનીક ઇકોલોજીનું પુન:સ્થાપન કરવા અને કલેકટરને આ પ્રકારના સંવેદનશીલ મુદામાં આંખ ખુલ્લી રાખવા આદેશ કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application