જામનગર શહેરમાં મિગ કોલોની નજીક જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં કુલ ચારને નાની મોટી ઇજા થઇ હતી. આ મામલે બંને પક્ષ દ્વારા સામસામી ફરીયાદ કરવામાં આવી છે. મિગ કોલોની નજીક ઝૂંપડામાં રહેતા વિપુલભાઈ સામાભાઈ વાઘેલા (ઉ.વ.૨૪)એ ભરતભાઈ તખુભાઈ વાઘેલા અને ભાવુભાઈ તખુભાઈ વાઘેલા સામે સીટી-એમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા.૨૯ના સવારે સાડા દસ વાગ્યાના અરસામાં વિપુલભાઈના પિતા સામાભાઈ અને ભરતભાઈ વચ્ચે ગુરુ રાખડી બાંધવા ઘરે ન આવવા બાબતે વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન ભરતભાઈ તથા ભાવુભાઈ ઉશ્કેરાઇ ગયા હતા. ગાળો આપી બોલાચાલી કરતાં એક શખ્સ લાકડાનો ધોકો લઈને આવ્યો હતો અને ફરિયાદી તથા સાહેદને માર મારી મુઢ ઇજાઓ પહોંચાડી હતી અને ફરીયાદીના પિતાને માથા અને કાંડાના ભાગે ઇજા થઇ હતી અને સાહેદને માર મારવાની ધમકી આપી હતી.
સામા પક્ષે ભરતભાઈ તખુભાઈ વાઘેલા (ઉ.વ.૨૫) એ સામાભાઈ ધમાભાઈ વાઘેલા, વિપુલ સામાભાઈ વાઘેલા, વીનુ સામાભાઈ વાઘેલા અને નિતાબેન મનસુખભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ભરતભાઈ તથા તેમના ભાઈ ભાવુભાઈ પોતાના ઝૂંપડામાં હાજર હતા ત્યારે સામાભાઈ, વિપુલભાઈ અને વીનુભાઈ ત્યાં આવ્યા હતા. સામાભાઈએ તું અમારી બાજુના ઝૂંપડામાં ન રહે, બીજે રહેવા જતો રહે તેમ કહી બોલાચાલી કરી હતી.આ પછી ત્રણેયે ગાળાગાળી કરી ભરતભાઈ સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. દરમિયાન સામાભાઈ લોખંડનો સળિયો લઈને ભરતભાઈના માથામાં એક ઘા મારતાં લોહી નીકળ્યું હતું. ભરતભાઈના ભાઈ ભાવુભાઈ છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ નિતાબેન પણ ત્યાં આવી બંને સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો અને બંનેને માર મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતાં સિટી-એ ડિવિઝન પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.