BREAKING NEWS

જામનગર: કાલાવડના સતીયા ગામમાં પાક નિષ્ફળ જવાની ચિંતામાં ખેડુતનો આપઘાત

  • August 04, 2026 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડના સતીયા ગામમાં પાક નિષ્ફળ જવાની ચિંતામાં ખેડુતનો આપઘાત

થોડા દિવસ પહેલા ઝેરી દવા પી લેતા સારવારમાં દમ તોડયો : રણુંજા રોડ પર બેભાન થઇ જતાં મહિલાનું મૃત્યુ

કાલાવડ તાલુકાના સતીયા ગામમાં રહેતા એક ખેડુતે પાક નિષ્ફળ જતા આ બાબતની ચિંતામાં થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી જેમનું જી.જી. હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા શોકનુ મોજુ ફરી વળ્યુ છે. બીજા બનાવમાં કાલાવડ શહેરમાં રણુજા રોડ વિસ્તારમાં રહેતી એક મહિલા અચાનક બેભાન થઈ જતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. 
કાલાવડ તાલુકાના સતીયા ગામમાં રહેતા ગાંગજીભાઇ બેચરભાઇ ચૌહાણ (ઉ.વ.૬૫) નામના ખેડુતે ગત તા. ૧૦-૭-૨૬ના રોજ બપોરના સુમારે વાડીએ ખેતીનો પાક નિષ્ફળ જતા આ અંગેની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. આથી જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે.

આ અંગે સતીયા ગામમાં રહેતા ખેતીકામ કરતા નરેશ ગાંગજીભાઇ ચૌહાણ દ્વારા ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ખેડુત વૃઘ્ધના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓણ સાલ જામનગર પંથકમાં વરસાદ નોંધપાત્ર નોંધાયો નથી જેના કારણે ખેડુતો ચિંતામાં મુકાયા છે ચોમાસાના બે મહિના વીતી ગયા છે, દરમ્યાનમાં સપીયા ગામના ખેડુતે પાક નિષ્ફળ જતા ચિંતામાં આત્મઘાતી પગલુ ભરી લેતા ગમગીની છવાઇ છે.

બીજા બનાવમાં કાલાવડના રણુજા રોડ પર સ્કુલની આગળ રહેતા શિલ્પાબેન ઉર્ફે ટીનાબેન જીતુભાઈ મસાલીયા (ઉ.વ. ૩૫) નામની મહિલા તા. ૨ના રોજ બેભાન થઇ જતા સારવારમાં ખસેડવામાં આવી હતી જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું.

આ બનાવ અંગે મૃતકના પરિચિત જોશનાબેન મગનભાઈ ઝીંઝુવાડીયા એ ટાઉન પોલીસમાં જાણ કરી હતી, દરમ્યાનમાં મહિલાનું મોત કયા કારણોસર થયું તે જાણવા કાલાવડ ટાઉન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application