BREAKING NEWS

જામનગર: જોડિયાના વાવડી ગામે પાક નિષ્ફળ જતાં ખેડુતનો આપઘાત

  • October 31, 2026 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જોડિયાના વાવડી ગામે પાક નિષ્ફળ જતાં ખેડુતનો આપઘાત

આર્થિક સંકડામણથી વ્યથિત થઇને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : બે બળદોને રાજકોટના આશ્રમ ખાતે મુકવા મજબુર થયા : પરિવારજનો સહિતમાં શોકનું મોજુ

જામનગર જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકમાં દુષ્કાળ જેવી વિષમ પરિસ્થિતિ, પાણીની ભારે અછત અને પાક નિષ્ફળ જવાના કારણે ધરતીપુત્રો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે જોડિયા તાલુકાના વાવડી ગામે રહેતા ૪૭ વર્ષીય ખેડૂત હેમતભાઈ હરિભાઈ મકવાણાએ પોતાની વાડીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવની જાણ થતાં જ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જોડિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મળતી વિગતો મુજબ, ચાલુ વર્ષે નબળા ચોમાસા અને પાકને પૂરતું પાણી ન મળવાને કારણે ખેતરમાં મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. ખેતી પાછળ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીનો મોટો ખર્ચ થઈ ચૂક્યો હતો, જેની સામે કોઈ ઉપજ ન મળતા પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. ઉપરાંત મંડળી તથા અન્ય નાણાકીય ધિરાણનું મોટું દેવું માથે હોવાથી હેમતભાઈ છેલ્લા કેટલાક સમયથી સતત માનસિક તાણ અને ચિંતામાં રહેતા હતા.

આર્થિક સંકટની પરાકાષ્ઠા એવી હતી કે આશરે એક માસ પૂર્વે ઘાસચારાના અભાવે તેઓ પોતાના જીવથી પણ વહાલા બે બળદોને રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમમાં મૂકવા મજબૂર બન્યા હતા. પોતાના પશુઓથી વિખૂટા પડતી વખતે હેમતભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. પોતાના પશુઓને સાચવી ન શકવાનું દુ:ખ અને પરિવારના ભવિષ્યની ચિંતા તેમના મન પર ઊંડી અસર કરી ગઈ હતી.

વાવડી ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ મકવાણા તેમજ મૃતકના ભાઈ રાજુભાઈ મકવાણાએ આ દુ:ખદ ઘટના અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ખેતીમાં સતત નુકસાની, સરકારી સહાય કે ધિરાણ માફીનો અભાવ અને પરિવારના ભરણપોષણની વિમાસણે હેમતભાઈને આ આત્યંતિક પગલું ભરવા મજબૂર કર્યા હતા. મૃતક હેમતભાઈ મકવાણા પોતાની પાછળ એક પુત્ર અને એક પુત્રી એમ બે નાના સંતાનો તેમજ પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે, જેથી પરિવારે મોભીની છત્રછાયા ગુમાવતા તેમના પર આભ તૂટી પડ્યું છે. ખેડૂત આગેવાનો અને ગ્રામજનોએ સરકાર સમક્ષ ખેડૂતોની આ ગંભીર વેદના સમજી તાત્કાલિક યોગ્ય રાહત સહાય પૂરી પાડવા માંગ કરી છે. 

બનાવ અંગે મૃતકના ભાઇ રમેશ હરીભાઇ મકવાણાએ જોડિયા પોલીસમાં જાણ કરતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને અકસ્માતે મોતની નોંધ કરીને તપાસ હાથ ધરી છે, બનાવના કારણે પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારના ખેડુતોની આર્થિક મુશ્કેલીઓ તરફ ઘ્યાન દોર્યુ  છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application