BREAKING NEWS

ખંભાળિયા નગરપાલિકા સામે સફાઈકર્મીઓ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન

  • October 31, 2026 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા નગરપાલિકા સામે સફાઈકર્મીઓ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન

નવ દિવસથી પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતાં સફાઈ કર્મચારીઓમાં ભારે આક્રોશ

ખંભાળીયા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓને લઈને પાલિકા તંત્ર સામે ચલાવવામાં આવી રહેલું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

છેલ્લા નવ દિવસથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા પ્રતીક ઉપવાસ છતાં પાલિકા સત્તાવાળાઓ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં, આખરે સફાઈ કામદારોએ અનિશ્ચિત મુદતના આમરણાંત ઉપવાસ આંદોલનની શ‚આત કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજે બે વર્ષ પહેલાં પણ સફાઈ કામદારો પોતાની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા. તે સમયે પ્રાદેશિક નિયામક, જિલ્લા કલેક્ટર અને સ્થાનિક રાજકીય નેતાઓ સહિતની હાજરીમાં ખાસ સમાધાન કરાર કરવામાં આવ્યો હતો.

જોકે, આટલો સમય વીતી ગયા પછી પણ કરારમાં દર્શાવાયેલા ૧૧ જેટલા મુખ્ય મુદ્દાઓમાંથી એક પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. પાલિકા તંત્રની આવી બેદરકાર નીતિના કારણે સફાઇ કામદારોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
શહેરનો વિકાસ થતાં ભૂતકાળમાં સાત વોર્ડમાંથી વધીને હવે નવ વોર્ડ થયા છે અને શહેરની વસ્તીમાં પણ અંદાજે ૩૦ ટકા જેટલો વધારો થયો છે. આમ છતાં, નગરપાલિકામાં સફાઈ કામદારોનું મહેકમ જૂનું ને એ જ રાખવામાં આવ્યું છે. સામાન્ય સભામાં મંજૂર થયેલી કાયમી જગ્યાઓ પર પણ નવી ભરતી કરવામાં આવી નથી. આ ઉપરાંત, નિવૃત્ત થયેલા સફાઈ કર્મચારીઓને તેમના હક્ક-હિસ્સા અને નિવૃત્તિના નાણાં પણ સમયસર ચૂકવવામાં આવતા ન હોવાનુ આક્રોશ વ્યકત થયો છે.

તાકીદે આ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે આંદોલન ચલાવાઈ રહ્યું છે. અગ્રણી અને સફાઈ કર્મી રાજ્ય મહામંત્રી રમેશ વાઘેલાએ આ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ લાવવા મક્કમ માંગ કરી છે. જો સમયસર ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ વ્યાપક બનશે, જેના કારણે શહેરમાં સફાઈ વ્યવસ્થા કથડતાં સામાન્ય જનતાને પણ ભોગવવાનો વારો આવી શકે છે.

સફાઈકર્મીઓની મુખ્ય માંગ અને સ્થિતિ ૧૧ મુદ્દાનો કરાર ઠગારો નિવડ્યો છે, ૨ વર્ષ પહેલાં કલેક્ટર અને નેતાઓની હાજરીમાં થયેલા ૧૧ મુદ્દાના સમાધાન કરારમાંથી એક પણ અમલમાં મૂકાયો નથી. જ્યારે વસ્તી ૩૦ % વધી, કામદારો ઘટી રહ્યા છે, શહેરમાં ૨ નવા વોર્ડ ઉમેરાયા અને વસ્તીમાં ૩૦% વધારો થયો, છતાં કામદારોની નવી ભરતી બંધ છે અને મંજૂર થયેલી જગ્યાઓ હાલ ખાલી પડી છે, સામાન્ય સભામાં કાયમી જગ્યાઓ મંજૂર થઈ હોવા છતાં નગરપાલિકા ભરતી કરતી નથી. નિવૃત્તિ હક્કોનો અનાદર થતો હોય નિવૃત્ત થતાં કર્મચારીઓને તેમના હક્ક-હિસ્સાના નાણાં મેળવવા માટે રઝળપાટ કરવો પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application