નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ કરવાની માંગ: આવેદનપત્ર પાઠવે તે પહેલાં જ આગેવાનોની અટકાયત
વિશ્ર્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ પુન: પહેલા હતુ તે સરદાર વલ્લભભાઇ પટેલ નામ રાખવાની માંગ સાથે આજે કોંગ્રેસના અગ્રણી જે.પી. મારવીયા જામનગર કલેકટરને આવેદન આપવા પહોંચે તે પહેલા જ કાલાવડ ખાતે પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ’નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’નું નામ બદલીને તેનું મૂળ નામ ’સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ’ પુન: રાખવાની માંગ સાથે આજે જામનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમ યોજાય અને આવેદનપત્ર પાઠવવામાં આવે તે પૂર્વે જ આજે સવારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાલાવડ ખાતેથી જ રજૂઆતકર્તા અને અગ્રણી કોંગી નેતા જયંતીલાલ પી. મારવીયા સહિત અન્ય કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી તમામને પોલીસ કસ્ટડીમાં લીધા હતા. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમ પહેલાં જ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ અટકાયતી કાર્યવાહીથી રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે.