BREAKING NEWS

દ્વારકા જિલ્લામાં GSPL ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનો આક્રોશ

  • July 29, 2026 01:44 PM 

દ્વારકા જિલ્લામાં GSPL ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનો આક્રોશ

જિલ્લામાં વિવિધ ગામોના ખેતરોમાં ખેડુતોએ બેનરો લગાવી નોંધાવ્યો નવતર વિરોધ

દ્વારકા જિલ્લામાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નાખવામાં આવી રહેલી ગેસ પાઇપલાઇન સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. કંપનીની કામગીરી સામે નવતર વિરોધ દર્શાવતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિરોધ દર્શાવતા બેનરો લગાવી દીધા છે. ખેડૂતોનો આરોપ છે કે તેમણે આ મુદ્દે કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્ય સુધી રજૂઆતો કરી હોવા છતાં તેમની સુનાવણી થઈ રહી નથી. જનપ્રતિનિધિઓને પોતાના અધિકારોનું રક્ષણ કરવા આહ્વાન કરતા ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે સત્તા અને તંત્ર પ્રજાના હોવા છતાં કંપનીની દાદાગીરી કેમ ચલાવી લેવામાં આવી રહી છે.

ખેડૂતોની મુખ્ય માંગણી છે કે જમીન, પાક અને માલ-મિલકતનું પહેલા સંયુક્ત સર્વે કરવામાં આવે અને આખરી એવોર્ડ આપ્યા બાદ જ પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવે. ગેસ - પાણી પાઇપલાઇન કાયદા ૨૦૦૦ હેઠળ બહાર પાડવામાં આવેલા ૩(૧) અને ૬(૧)ના જાહેરનામામાં પોતાના સર્વે નંબરનો ઉલ્લેખ જ ન હોવાનું જણાવી ખેડૂતોએ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કાયદાકીય રીતે પોતાને કેટલું વળતર મળશે તે જાણવાનો તેમનો અધિકાર છે. ખેતરમાંથી પાઇપલાઇન પસાર થવાથી જમીનની કિંમતમાં મોટો ઘટાડો થાય છે, અને કેટલાક ખેતરોમાં બોક્સાઇટ જેવી કિંમતી ખનીજ હોવાથી ભવિષ્યમાં લીઝ મેળવવામાં પણ અડચણ આવી શકે છે.

પીએમપી એક્ટ ૧૯૬૨, ગેસ-પાણી પાઇપલાઇન કાયદો ૨૦૦૦ અને જમીન સંપાદન કાયદો ૨૦૧૩ મુજબ યોગ્ય વળતર નક્કી કર્યા વિના કંપની ખેતરોમાં પ્રવેશ કરે તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જીએસપીએલ કંપની પહેલા તમામ કાયદાઓનું યોગ્ય પાલન કરે અને વળતરની રકમ જાહેર કરે, તે સિવાય ખેતરોમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવા દેવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application