BREAKING NEWS

ખેતરોમાંથી વીજલાઇન પસાર કરવાના મામલે જામનગર જિલ્લાનાં ખેડુતોનો ઉગ્ર રોષ

  • August 01, 2026 06:19 PM 

ખેતરોમાંથી વીજલાઇન પસાર કરવાના મામલે જામનગર જિલ્લાનાં ખેડુતોનો ઉગ્ર રોષ

સરકારના નવા પરિપત્ર સામે રેલી સુત્રોચ્ચાર કલેકટરને આવેદન

રાજય સરકારના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ દ્વારા ચોથી જુલાઇના રોજ કરવામાં આવેલા પરિપત્રના વિરોધમાં જામનગર જિલ્લાના સંખ્યાબંધ ગામોના ખેડુતો  દ્વારા ખેતરોમાંથી વીજ લાઇન પસાર કરવાના મામલે ઉગ્ર રોષ સાથે રેલી, સુત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લાના સંખ્યાબંધ ગામોના ખેડુતો, ગ્રામ પંચાયતના સરપંચો, સભ્યોએ જામનગરના જોગસપાર્ક પાસે એકઠા થઇને રેલી સ્વ‚પે કલેકટર કચેરી ખાતે પહોંચીને આવેદન આપીને પરિપત્રમાં સુધારો ન થાય ત્યાં સુધી નવા પરિપત્રની અમલવારી ન થાય તેવી માંગણી કરી હતી. તેમજ આવેદન વેળાએ ખેડુતોએ તંત્ર પોલીસ અને કંપનીઓના વર્તન અંગે કલેકટરને મૌખિક ફરિયાદ કરી હતી. 

કાલાવડના પ્રવિણભાઇ પડારીયા, મોરબીના નેહુલભાઇ અમૃતીયા, ચેલાના સરપંચ રાજેન્દ્રસિંહ ભાટી, નંદપુરના વિપુલભાઇ બોરસદીયા સહિતના ખેડુત અગ્રણીઓની બનેલી જામનગર જિલ્લા ખેડુત સમિતિના એક હજાર જેટલા ખેડુત ભાઇઓ બહેનોએ ખેતરોમાં ધરારથી ઉભી થતી વીજ લાઇનના મુદે રોષ વ્યકત કરતા સુત્રોચ્ચાર સાથે પદયાત્રા યોજી હતી. જે કલેકટર કચેરી ખાતે પુરી થઇ હતી. 

ખેડુત ભાઇઓ તથા બહેનો દ્વારા યોજાયેલા પદયાત્રામાં રામધુન બોલાવવામાં આવી હતી. તેમજ ખેતરોમાં વીજ લાઇન નાખવા માટે જે રાજયસરકારનો પરિપત્ર છે જે ખેડુતોને મંજુર નથી તેવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોરબીના નેહલભાઇ અમૃતીયાએ જણાવ્યું હતું કે આ પરિપત્ર જ ખેડુતોને માન્ય નથી, ખેડુતોની ચોવીસ માંગણી હતી જેનો ઉલ્લેખ નથી.

લાખો લોકોને સ્પર્શતા આ ખેતરમાંથી વીજ લાઇનનાં પ્રશ્ર્નને નિવારવા દરિયાકાંઠા રણવિસ્તાર અને અન્ડર ગ્રાઉન્ડ ધોરણે વીજ લાઇન પસાર કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. કાલાવડના સોરઠા ગામના ખેડુત પ્રવિણભાઇ પડારીયાએ જણાવ્યું હતું કે ખેડુતોને પોતાના ખેતરમાં થાંભલા કે તાર જોઇતા નથી, અમને નોટીસો આપીને હેરાન કરવામાં આવે છે, જે બંધ કરવા રજુઆતો કરવામાં આવી હતી. આ રેલીમાં જિલ્લાના સોથી વધુ ગામોના ખેડુત ભાઇ બહેનો જોડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application