BREAKING NEWS

જામનગર શહેર-જીલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવ

  • July 20, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જીલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવ

ડેરી આંબરડીમાં જંતુનાશક દવાની અસર થતા યુવતિનો ભોગ : મોટી ખાવડી સીમમાં પાણીની ટાંકી ચેક કરવા ગયેલા એક યુવાનનું પડી જતા મૃત્યુ : ખડખંભાળીયા ડેમના પાણીમાં પડી જતા યુવાનનું મોત : સોનીફળીમાં હાર્ટએટેકથી વૃઘ્ધનું પ્રાણપંખેરૂ ઉડયુ 

જામનગર શહેર-જીલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવ પોલીસ ચોપડે જાહેર થયા છે જેમાં ડેરી આંબરડીમાં જંતુનાશક દવાની અસર થતા યુવતિનો ભોગ લેવાયો છે, મોટી ખાવડી સીમમાં પાણીની ટાંકી ચેક કરવા ગયેલા એક યુવાનનું અકસ્માતે પડી જતા મૃત્યુ નિપજયુ છે, ખડખંભાળીયા ડેમ પાસે ગયેલા જામનગરના યુવાનનું પગ લપશી જવાથી પાણીમાં પડી જતા મૃત્યુ થયુ હતુ, જયારે સોનીફળીમાં હાર્ટએટેકથી વૃઘ્ધનું પ્રાણપંખેરૂ ઉડયુ છે અને વલ્લલભનગરના વૃઘ્ધનું સારવારમાં મૃત્યુ નિપજયુ હતું.
 
જામજોધપુરના ડેરી આંબરડી ગામમાં રહેતી ખુશાલીબેન દિનેશભાઇ પીપરોતર ઉમર આશરે ૧૮ વર્ષ નામની યુવતિ ખેતીમાં મગફળીના પાકમાં નિંદણની જંતુનાશક દવાનો છંટકાવ કરતી હોય, દરમ્યાનમાં ઝેરી અસર થતા સારવારમાં ખસેડવામાં આવી હતી, જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું, આ અંગે હીરીબેન દિનેશભાઇ દ્વારા શેઠવડાળા પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

બીજા બનાવમાં મુળ કેરળના વતની હાલ મોટી ખાવડી એલસી-૧ ખાતે રહેતા ડિવેન્સ શિવાનભાઇ (ઉ.વ.૨૪) ગત તા. ૧૮ સવારના સુમારે મોટી ખાવડી સીમ વાડી વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી સાફ કરવાની હોય જેથી ચેક કરવા માટે ગયા હતા. અચાનક તેમનો પગ લપશી જતા બેલેન્સ નહી રહેતા જમીન પર પટકાતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ અંગે મીથીલેશકુમાર શુકલ દ્વારા પડાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

ત્રીજા બનાવમાં જામનગરના દિ.પ્લોટ-૪૯ વિસ્તાર નહેરુનગર શેરી નં. ૧૧-એ ખાતે રહેતા મજુરી કરતા રાકેશ મહેન્દ્રભાઇ બગડા (ઉ.વ.૨૧) અને અન્ય યુવાનો ગત તા. ૧૨-૭-૨૬ના ખડખંભાળીયા ફરવા ગયા હતા, દરમ્યાનમાં ડેમ પાસે જતા રાકેશભાઇનો અચાનક પગ લપશી જતા ડેમના પાણીમાં પડી જતા લાલપુર સરકારી દવાખાને લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું, આ બનાવ અંગે નહેરુનગરમાં રહેતા મહેન્દ્ર માલાભાઇ બગડાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં તા. ૧૮ના જાણ કરી હતી જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય બનાવમાં જામનગરના સત્યનારાયણ મંદિર સામે સોની ફળીમાં રહેતા ભરત પ્રતાપરાય મોનાણી (ઉ.વ.૫૮) નામના વૃઘ્ધની અચાનક તબીયત ખરાબ થઇ જતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં હાર્ટએટેક આવવાથી મૃત્યુ નિપજયાનું જણાવાયુ હતું. આ અંગે ભાગ્યેશભાઇ મોનાણી દ્વારા સીટી-એ પોલીસને જાણ કરી હતી.

વધુ એક બનાવમાં શંકરટેકરી વિસ્તાર વલ્લભનગરમાં રહેતા ગોપાલભાઇ ખીમજીભાઇ મકવાણા (ઉ.વ.૬૩) પોતાના ઘરે બેભાન થઇ જતા પ્રથમ ખાનગી હોસ્પીટલમાં દાખલ કરેલ હોય અને વધુ સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમનું મૃત્યુ નિપજયુ હતું, મરણજનારને છેલ્લા આઠેક મહીનાથી કીડનીની બિમારી હતી, આ અંગે રાજેશભાઇ મકવાણા દ્વારા સીટી-સી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application