BREAKING NEWS

'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યું રાજકોટ, સ્વયંભૂ રામનાથ મહાદેવની 103મી પાલખી યાત્રા, શિવભક્તોનો મેળાવડો જામ્યો

  • September 07, 2026 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે રાજકોટના ગ્રામદેવતા ગણાતા સ્વયંભૂ રામનાથ મહાદેવની ઐતિહાસિક 103મી પાલખી યાત્રા (વરણાંગી) ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક નીકળી છે. આ પાવન પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા છે. પાલખી યાત્રાના સમગ્ર માર્ગ પર 'હર હર મહાદેવ' અને 'જય ભોલેનાથ'ના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા છે. શહેરના પ્રમુખ ચોક અને મુખ્ય રસ્તાઓ પરથી જ્યારે રામનાથ દાદાની પાલખી પસાર થતા સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

ધાર્મિક વિધિ-વિધાન અનુસાર, મંદિરે બપોરે ભગવાન રામનાથ મહાદેવનું ષોડશોપચાર પૂજન અને મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રામનાથ દાદાની નગરચર્યા અર્થે વરણાંગીનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વયંભૂ દાદા પોતે ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળતા હોવાથી શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રા દરમિયાન ટ્રાફિક સુચારુ રીતે જળવાઈ રહે, મુસાફરોને તકલીફ ન પડે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ભવ્ય પાલખી યાત્રાના નિર્ધારિત રૂટની વાત કરીએ તો, બપોરે ૩:૩૦ વાગ્યે રામનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કર્યા બાદ વરણાંગી રામનાથપરા મેઈન રોડ થઈને કોઠારીયા નાકા, ત્યાંથી પેલેસ રોડ, આશાપુરા મંદિરની પાછળનો માર્ગ થઈને કરણપરા ચોક અને કિશોરસિંહજી રોડ પર આગળ વધી રહી છે. ત્યારબાદ પરત પેલેસ રોડથી જયરાજ પ્લોટ, રામમઢી ચોક, હાથીખાના મેઈન રોડ અને રામનાથપરા મેઈન રોડ થઈને મોડી સાંજે પુનઃ રામનાથ મહાદેવ મંદિરે નિજ ધામે પરત ફરશે.

આ યાત્રા પાછળ ૧૦૩ વર્ષ જૂનો શ્રદ્ધાથી સભર ઇતિહાસ જોડાયેલો છે. આજથી ૧૦૩ વર્ષ પૂર્વે રાજકોટ શહેરમાં પ્લેગ નામનો ગંભીર અને જીવલેણ રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેનાથી પ્રજાને બચાવવા માટે તત્કાલીન રાજવી રાજવી શ્રી લાખાજીરાજ બાપુએ ગ્રામદેવતા સ્વયંભૂ રામનાથ મહાદેવના ચરણોમાં બે હાથ જોડીને પ્રાર્થના કરી માનતા માની હતી. તેમણે અરજ કરી હતી કે જો મહાદેવ રાજકોટની પ્રજાને પ્લેગના કોપમાંથી મુક્ત કરશે, તો દર વર્ષે શ્રાવણના છેલ્લા સોમવારે રામનાથ દાદાની નગરમાં ભવ્ય પાલખી યાત્રા યોજવામાં આવશે. દાદાની કૃપાથી રાજકોટ પ્લેગમુક્ત બન્યું હતું. ત્યારથી લઈને આજ સુધી અવિરતપણે ૧૦૩ વર્ષથી આ પરંપરા ચાલુ છે. મહાદેવ સદૈવ રાજકોટની રક્ષા કરે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે આ વર્ષે પણ ૧૦૩મી પાલખી યાત્રા ધામધૂમથી યોજાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application