BREAKING NEWS

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો જંગ: 5 બેઠકો પર આવતીકાલે મતદાન, વિજય સખિયાએ પોલીસ પ્રોટેક્શન માગ્યું

  • September 07, 2026 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયાના સૌથી મોટા ગણાતા રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને અનુલક્ષીને સહકારી રાજકારણમાં ભારે ગરમાવો અને રાજકીય ઉત્તેજના જોવા મળી રહી છે. સંઘની ચૂંટણીમાં તમામ 10 બેઠકો બિનહરીફ થયા બાદ બાકી રહેલી 5 બેઠકો પર સામસામે ચૂંટણી લડી રહેલા તમામ 10 ઉમેદવારો ભાજપના જ છે. આ પરિસ્થિતિમાં પક્ષ દ્વારા નિશ્ચિત કરાયેલા ઉમેદવારોની તરફેણમાં જ મતદાન કરવા માટે અધિકૃત વ્હિપ જારી કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણી પૂર્વેની સ્થિતિ સુધારવામાં અને ડેમેજ કંટ્રોલ કરવામાં જિલ્લા ભાજપનું નેતૃત્વ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થતાં આવતીકાલે નિર્ધારિત સમયે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

નાની એવી સહકારી સંસ્થા પર સત્તા હાંસલ કરવા માટે ગાંધીનગરથી લઈને દિલ્હી હાઈકમાન્ડ સુધી ભારે રાજકીય લોબિંગ કરવામાં આવ્યું હતું. તેમ છતાં સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટના જૂથ વચ્ચેનો વિવાદ ઉકેલવામાં ભાજપ સંગઠન અસમર્થ રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપના જ બે પૂર્વ મંત્રીઓના જૂથો સામસામે આવી જતાં ચેરમેન અને વાઇસ ચેરમેનના હોદ્દા સુધીની વર્ચસ્વની લડાઈ અત્યંત રસપ્રદ બની ગઈ છે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ભાજપ નેતા વિજય સખીયાએ આવતીકાલની મતદાન પ્રક્રિયા મુક્ત, પારદર્શક અને વિઘ્નરહિત રીતે પૂર્ણ થાય તેમજ ઉમેદવારોને પૂરતી સુરક્ષા મળી રહે તે માટે પોતાના સ્વખર્ચે પોલીસ બંદોબસ્ત ફાળવવાની પોલીસ કમિશનર સમક્ષ લેખિત માંગ કરી છે.


ચૂંટણીના સત્તાવાર કાર્યક્રમ અનુસાર, આવતીકાલે સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી નક્કી કરવામાં આવેલા મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. ત્યારબાદ બીજા દિવસે સવારે ૯:૦૦ વાગ્યાથી મતગણતરી હાથ ધરીને આખરી પરિણામો જાહેર કરવામાં આવશે. પ્રદેશ નેતાગીરીની મધ્યસ્થી છતાં સમાધાન ન થતાં ભાજપ દ્વારા અધિકૃત રીતે વ્હિપ જારી કરાયો છે. જેમાં કુવાડવા જૂથ બેઠક પર અરવિંદ રૈયાણી, માધાપર જૂથ બેઠક પર પૃથ્વીસિંહ જાડેજા (ઘોઘુભા), ખોખડદડ જૂથ બેઠક પર બાબુ નસીત, ત્રંબા જૂથ બેઠક પર નિતિન રૈયાણી અને હલેન્ડા જૂથ બેઠક પર મહેશ આસોદરીયાને મત આપવાનો આદેશ કરાયો છે.


બીજી તરફ, વ્હિપથી વિપરિત ભાજપના જ આગેવાનો સામેપક્ષે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડી રહ્યા હોવાથી ભાજપ વિરૂદ્ધ ભાજપનો જંગ ખેલાઈ રહ્યો છે. ચર્ચિત ૫ બેઠકો પર સીધી ટક્કરની વાત કરીએ તો પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા, પૃથ્વીસિંહ જાડેજા સામે વિજય સખીયા, બાબુ નસીત સામે હરજીભાઈ પીપડીયા, નિતિન રૈયાણી સામે અનિરુદ્ધ સિંહ જાડેજા અને મહેશ આસોદરીયા સામે ધીરુભાઈ રોકડ મેદાનમાં છે. ૧૦ બેઠકો બિનહરીફ થઈ ચૂકી હોવાથી બાકીની આ ૫ બેઠકો પર બંને જૂથો માટે એક-એક મિલકત સમાન મત નિર્ણાયક બની રહેશે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી પૂર્વે માધાપર જૂથ બેઠકના ઉમેદવાર વિજય સખીયાએ સ્વખર્ચે પોલીસ પ્રોટેક્શન મેળવવા શહેર પોલીસ કમિશનરને અરજી કરી હતી. જોકે, પોલીસનું હકારાત્મક વલણ ન જણાતા આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે આ અરજી ધ્યાને લઈ રાજકોટ શહેર પોલીસ અને ચૂંટણી અધિકારીને વિજય સખીયાને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવા તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તટસ્થ અને ભયમુક્ત વાતાવરણમાં યોજવા માટે સ્પષ્ટ આદેશો આપ્યા છે. કોર્ટના આ હુકમથી ચૂંટણી માહોલમાં સુરક્ષાને લઈને મોટો વળાંક આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application