CBSE બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)નો મહત્વપૂર્ણ આદેશ સામે આવ્યો છે. મામલો RTI દ્વારા આન્સરશીટની કોપી મેળવવા અને તેના માટે લેવામાં આવતી ફી સાથે જોડાયેલો છે.
CICએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓ પાસેથી આન્સરશીટની ફોટોકોપી માટે RTI Rules, 2012માં નક્કી કરવામાં આવેલી ફી જ વસૂલવી જોઈએ. આ ઉપરાંત, RTI દ્વારા આન્સરશીટ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓને વેરિફિકેશન અથવા રી-ઇવેલ્યુએશનથી રોકતા CBSEના નિયમ સામે પણ આયોગે વાંધો ઉઠાવ્યો છે.
CICએ CBSEને પોતાના નિયમોમાં જરૂરી ફેરફાર કરવાની ભલામણ કરી છે, જેથી તેના નિયમો RTI કાયદા સાથે સુસંગત રહી શકે.
શું છે સમગ્ર મામલો?
આ મામલો CBSE ધોરણ 10ના એક વિદ્યાર્થીની RTI અરજી બાદ સામે આવ્યો હતો. વિદ્યાર્થીએ મેથ્સ સ્ટાન્ડર્ડના સેટ-3ની પોતાની આન્સરશીટની કોપી માંગી હતી. સાથે જ તેણે પેપરની મુશ્કેલી, મોડરેશન પોલિસી અને મૂલ્યાંકન દરમિયાન કાપવામાં આવેલા ગુણ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, પાંચ વિષયોની આન્સરશીટ મેળવવા માટે ₹2,500, રી-વેરિફિકેશન માટે ₹2,500 અને દરેક વિષય માટે અલગથી ₹100 સુધીની ફી લેવામાં આવી રહી હતી. આ રીતે સમગ્ર પ્રક્રિયાનો ખર્ચ લગભગ ₹10,000 સુધી પહોંચી શકે છે.
આ પછી વિદ્યાર્થીએ RTI કાયદા હેઠળ પોતાની આન્સરશીટની કોપી માંગી હતી.
ઈ-મેઇલ દ્વારા મળી આન્સરશીટની કોપી
CBSEના CPIOએ 2 જુલાઈ 2025ના રોજ જણાવ્યું હતું કે જરૂરી ફી ભર્યા બાદ વિદ્યાર્થીને તેની આન્સરશીટની કોપીઓ ઈ-મેઇલ દ્વારા મોકલી આપવામાં આવી હતી.
આન્સરશીટ મળ્યા બાદ વિદ્યાર્થીએ તેની સાથે જોડાયેલા અનેક સવાલો RTI મારફતે ઉઠાવ્યા હતા. આ દરમિયાન CBSEએ 19 મે 2025ના એક સર્ક્યુલરનો હવાલો આપ્યો હતો. તેમાં જણાવાયું હતું કે RTI હેઠળ આન્સરશીટની કોપી મેળવ્યા બાદ વિદ્યાર્થી વેરિફિકેશન અથવા રી-ઇવેલ્યુએશનની માંગ કરી શકશે નહીં.
CICએ CBSEના આ નિયમ સામે વાંધો વ્યક્ત કર્યો છે.
RTI કાયદાને મળશે પ્રાથમિકતા
CICએ કહ્યું કે માત્ર RTI મારફતે આન્સરશીટની કોપી મેળવી હોવાના કારણે વિદ્યાર્થીને રી-ઇવેલ્યુએશનથી રોકવું RTI કાયદાની ભાવનાને અનુરૂપ નથી.
આયોગે RTI Actની કલમ 22નો ઉલ્લેખ કરતા કહ્યું કે જો કોઈ અન્ય નિયમ અને RTI કાયદા વચ્ચે ટકરાવ થાય તો RTI કાયદાને પ્રાથમિકતા મળશે.
આયોગે CBSEને RTI Rules, 2012 મુજબ આન્સરશીટની ફોટોકોપી માટે ફી વસૂલવા સૂચના આપી છે. સાથે જ 19 મે 2025ના સર્ક્યુલરમાં જરૂરી સુધારા કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.
આ નિર્ણયથી CBSEના એવા વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે, જેઓ પોતાની આન્સરશીટ તપાસવા અથવા મૂલ્યાંકન અંગે સવાલ ઉઠાવવા માટે RTIનો ઉપયોગ કરે છે.