જામનગરમાં ફૂડ સેફ્ટી વિભાગની મેગા ડ્રાઈવ: ૩૮ સ્થળોની તપાસ, ૧૧૧ કિલો વાસી ખાદ્યપદાર્થોનો નાશ
ખોરાકના શંકાસ્પદ નમૂનાઓ વધુ તપાસ અર્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કમિશનર દીપેશ કેડીયા અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ શહેરમાં ફૂડ સેફ્ટી અંગે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો, બેકરી, ફૂડ ફેક્ટરી અને આઈસ ફેક્ટરીઓમાં તપાસ કરી વાસી ખાદ્યપદાર્થો તેમજ સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે ગુલાબનગર, જકાતનાકા, હરિયા કોલેજ રોડ, ડી.કે.વી. કોલોની, ગ્રીન માર્કેટ, માધાપર ભુંગા, જોડિયા ભુંગા, હીરડા રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૩૮ સ્થળોની તપાસ કરી હતી. આ દરમિયાન ૧૧૧ કિલોગ્રામ વાસી અને અનહાઇજેનિક સ્થિતિમાં રાખવામાં આવેલા ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ૭૬ પેકેટ એક્સપાયરી ડેટ ધરાવતા ખાદ્યપદાર્થો તથા ૫૩ કિલોગ્રામ પ્લાસ્ટિક કેરીબેગનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન વેપારીઓને રસોડામાં સ્વચ્છતા જાળવવા, હાઇજિનિક કન્ડિશન જાળવવા, ગ્રાહકોને પીરસવામાં આવતા પનીર, ચીઝ, બટર સહિતના ખાદ્યપદાર્થોની સ્પષ્ટ માહિતી દર્શાવવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.
ગુલાબનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે મટનનું વેચાણ કરતા અને FSSAI લાયસન્સ વિના ધંધો ચલાવતા વેપારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંબંધિત મટનના નમૂના લેવામાં આવ્યા હતા તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટની કલમ 31 અને 32 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હિમતનગર વિસ્તારમાં આવેલી એક પેઢીમાં ઓનલાઈન ફરિયાદના આધારે તપાસ કરતાં રસોડામાં હાઇજિનિક કન્ડિશન જાળવવામાં આવતી ન હોવાનું સામે આવ્યું હતું. અહીંથી ૧૫ કિલોગ્રામ તૈયાર અનહાઇજેનિક ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીને સ્વચ્છતા જાળવવા, કલરનો ઉપયોગ ન કરવા તેમજ FSSAIના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
ફરિયાદના આધારે અન્ય એક પેઢીમાં ખરાબ તેલનો ઉપયોગ થતો હોવાનું સામે આવતાં તેલનો યોગ્ય નિકાલ કરવા તેમજ FSSAIના 12 નિયમોનું બોર્ડ ફરજિયાત પ્રદર્શિત કરવા સૂચના આપવામાં આવી હતી.ફૂડ સેફ્ટી વિભાગે વધુ એક સ્થળેથી મરચું પાવડર અને ધાણાજીરું પાવડરના નમૂનાઓ લઈ વડોદરા સ્થિત ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે.
આ ઉપરાંત બેડી બંદર રોડ, માધાપર ભુંગા, બેડેશ્વર અને જોડિયા ભુંગા રોડ વિસ્તારમાંથી કુલ ૮ નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાં ૨ પાણીના નમૂનાઓ રાજકોટ લેબોરેટરી અને ૭ ખાદ્યપદાર્થોના નમૂનાઓ વડોદરા લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે કોઈપણ ફરિયાદ હોય તો ઓનલાઈન, ઓફલાઈન અથવા ટેલિફોનિક માધ્યમથી ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરે, જેથી તાત્કાલિક તપાસ અને જરૂરી કાર્યવાહી કરી શકાય.